સત્ય. સાહસ. સંકલ્પ.

ક્રિકેટર સબ્બિનેની મેઘનાએ 30 વર્ષની ઉંમરે નિવૃત્તિ જાહેર કરી

ક્રિકેટર સબ્બિનેની મેઘનાએ 30 વર્ષની ઉંમરે નિવૃત્તિ જાહેર કરી

ભારતીય મહિલા ક્રિકેટર સબ્બિનેની મેઘનાએ 30 વર્ષની ઉંમરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આંધ્ર પ્રદેશની મેઘનાએ 2016માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેમણે 3 વનડે અને 17 T-20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. આ ઉપરાંત, તે વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રણ સિઝનમાં પણ રમી હતી.

નિવૃત્તિની જાહેરાત કરતાં મેઘનાએ કહ્યું કે મેદાન તેમના માટે બીજા ઘર જેવું રહ્યું છે. ક્રિકેટે તેમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટકી રહેવાનું શીખવ્યું છે અને જીવનભર યાદ રહે તેવી મિત્રતાઓ આપી છે.

મેઘનાએ સ્પષ્ટ કર્યું કે ખેલાડી તરીકેની તેમની સફર પૂરી થઈ રહી છે, પરંતુ ક્રિકેટ સાથેનો સંબંધ ચાલુ રહેશે. તેઓ ભવિષ્યમાં યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવા અને રમતના વિકાસમાં યોગદાન આપવા માંગે છે.

મેઘનાએ 20 નવેમ્બર 2016ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે વિજયવાડામાં T-20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાની પ્રથમ મેચમાં તેમણે 16 બોલમાં 17 રન બનાવ્યા, પરંતુ ભારતીય ટીમ 31 રનથી હારી ગઈ.

મેઘનાને વનડે ઇન્ટરનેશનલ રમવાની તક લગભગ પાંચ વર્ષ બાદ મળી. ફેબ્રુઆરી 2022માં ન્યૂઝીલેન્ડના ક્વીન્સટાઉનમાં તેમણે પોતાની પહેલી વનડે રમી. આ મેચમાં તે 14 બોલમાં માત્ર 4 રન બનાવી શકી. પરંતુ બીજી વનડેમાં 50 બોલમાં 49 રન બનાવ્યા અને ત્રીજીમાં માત્ર 41 બોલમાં 61 રનની ઇનિંગ રમી.

ઇન્ટરનેશનલ ટીમમાં સ્થાન મેળવવા માટે ઘરેલુ ક્રિકેટનું પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. મેઘનાએ 2021-22ની સિનિયર મહિલા વનડે ટૂર્નામેન્ટમાં રેલવે તરફથી રમતાં 6 મેચમાં 388 રન બનાવ્યા. તે સ્પર્ધામાં સૌથી વધુ રન બનાવનારી બેટર રહી. આ દરમિયાન તેમણે એક સદી અને બે અડધી સદી ફટકારી. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 142 રન હતો.

મેઘના ભારતીય મહિલા ટીમનો હિસ્સો હતી, જેણે 2016 અને 2022માં મહિલા T-20 એશિયા કપ જીત્યો હતો. 2022માં તેને બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં પણ સ્થાન મળ્યું હતું. આ ટૂર્નામેન્ટ એટલા માટે ખાસ હતી, કારણ કે પહેલીવાર મહિલા T-20 ક્રિકેટને કોમનવેલ્થ ગેમ્સમાં સામેલ કરવામાં આવ્યું હતું. ભારતે આ સ્પર્ધામાં ફાઇનલ સુધીની સફર ખેડી અને ઓસ્ટ્રેલિયા સામે હારીને સિલ્વર મેડલ જીત્યો.

મેઘનાએ ભારત માટે 17 T-20 ઇન્ટરનેશનલ મેચોમાં 258 રન બનાવ્યા. આ ફોર્મેટમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 69 રન રહ્યો અને તેમણે એક અર્ધસદી ફટકારી. તેમની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ ઑક્ટોબર 2022માં થાઈલેન્ડ સામે હતી. એટલે કે, તેઓ લગભગ ચાર વર્ષથી ભારત માટે ઇન્ટરનેશનલ મેચ રમી રહ્યાં નહોતાં.

ભારત માટે રમવા ઉપરાંત મેઘનાએ મહિલા પ્રીમિયર લીગમાં પણ પોતાની ઓળખ બનાવી. મેઘનાએ 2023માં લીગની પ્રથમ સિઝનમાં ગુજરાત જાયન્ટ્સ માટે રમવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સાથે જોડાયાં અને 2024 તથા 2025ની સિઝનમાં આ જ ટીમનો હિસ્સો રહ્યાં. તેમણે WPLમાં કુલ 15 મેચ રમી અને 302 રન બનાવ્યા. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 53 રન રહ્યો. મેઘના WPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની 2024માં જીતનારી ટીમનો હિસ્સો હતી.