અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા 30 ઑક્ટોબરથી સાબરમતી સ્ટેશનથી બે નવી ટ્રેન સેવાઓની શરૂઆત કરવામાં આવશે. આ ટ્રેનોમાં સાબરમતી–વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ ટ્રેનનો સમાવેશ થાય છે. આ બંને ટ્રેનો ધાર્મિક સ્થળોની યાત્રા તેમજ વેપાર અને રોજિંદા આવાગમન માટે ઉપયોગી થશે.
સાબરમતી–વારાણસી એક્સપ્રેસ (ટ્રેન નં. 12205/12206) દરરોજ દોડશે. સાબરમતીથી ટ્રેન સવારે 5:20 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 6:30 વાગ્યે વારાણસી પહોંચશે. વારાણસીથી પરત ફરતી વખતે ટ્રેન સાંજે 5:30 વાગ્યે ઉપડી બીજા દિવસે રાત્રે 8:15 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, જયપુર, આગ્રા, ગોવિંદપુરી, સુબેદારગંજ (પ્રયાગરાજ નજીક) અને મિર્ઝાપુર સહિતના સ્ટેશનો પર ઊભી રહેશે. આનાથી કાશી વિશ્વનાથ ધામના દર્શન માટે જતા શ્રદ્ધાળુઓ, વેપારીઓ અને વિદ્યાર્થીઓને ફાયદો થશે.
બીજી તરફ, મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ ટ્રેન સેવા શરૂ થતાં સાબરમતી, ચાંદખેડા, કલોલ, કડી, ભોયાણી, કટોસણ રોડ, બેચરાજી, ચાણસ્મા, રણુંજ અને મહેસાણા વચ્ચે રેલવે જોડાણ વધશે. આ ટ્રેન બહુચર માતાના દર્શન માટે જતા શ્રદ્ધાળુઓ તેમજ બેચરાજી વિસ્તારના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ અને આસપાસના ગામોના લોકોને દૈનિક અવરજવરમાં મદદરૂપ થશે.
મેમૂ ટ્રેનનો સમય: સાબરમતીથી સવારે 6:40 વાગ્યે ઉપડી 8:05 વાગ્યે બેચરાજી અને 9:45 વાગ્યે મહેસાણા પહોંચશે. પરત ફરતી વખતે મહેસાણાથી સાંજે 4:40 વાગ્યે ઉપડી 5:49 વાગ્યે બેચરાજી અને રાત્રે 8:30 વાગ્યે સાબરમતી પહોંચશે. બીજી સેવામાં સાબરમતીથી સાંજે 5:05 વાગ્યે ઉપડતી ટ્રેન 6:48 વાગ્યે બેચરાજી અને રાત્રે 8:25 વાગ્યે મહેસાણા પહોંચશે. પરત આવતી ટ્રેન મહેસાણાથી સવારે 7:05 વાગ્યે ઉપડી 7:50 વાગ્યે બેચરાજી અને સવારે 10:20 વાગ્યે સાબરમતી પહોંચશે.
અમદાવાદ ડિવિઝનના ડીઆરએમના જણાવ્યા મુજબ, આ બંને ટ્રેન સેવાઓથી ધાર્મિક પર્યટન, સ્થાનિક વેપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.