સત્ય. સાહસ. સંકલ્પ.

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2: શાહીબાગથી ઇન્દિરા બ્રિજ સુધીનું 5.5 કિમી નવું હેંગઆઉટ સ્પોટ એક વર્ષમાં શરૂ થવાની ધારણા

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2: શાહીબાગથી ઇન્દિરા બ્રિજ સુધીનું 5.5 કિમી નવું હેંગઆઉટ સ્પોટ એક વર્ષમાં શરૂ થવાની ધારણા

અમદાવાદમાં સાબરમતી નદીના કાંઠે શાહીબાગથી ઇન્દિરા બ્રિજ સુધીના 5.5 કિમી લાંબા રિવરફ્રન્ટ ફેઝ-2નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નરોડા, સરદારનગર, હાંસોલ, શાહીબાગ તેમજ સાબરમતી, મોટેરા અને ચાંદખેડા વિસ્તારના લોકો પણ રિવરફ્રન્ટની સુવિધાઓનો લાભ લઈ શકશે.

ફેઝ-2માં રૂ. 1,285 કરોડથી વધુના ખર્ચે નદીના બંને કાંઠે કામગીરી થઈ રહી છે. નદીની બંને બાજુની દીવાલો (ડાયાફ્રામ વોલ) અને એન્કર સ્લેબનું કામ શાહીબાગ ડફનાળાથી કેમ્પ સદર બજાર સુધી પૂર્ણ થઈ ચૂક્યું છે. બંને કાંઠે રિવરફ્રન્ટ એપ્રોચ રોડ પણ તૈયાર થઈ ગયો છે. ગુજરાતના પ્રથમ રબર કમ બેરેજ ઓવરબ્રિજનું કામ પણ ચાલુ છે, જે કેમ્પ સદર બજાર નજીક બની રહ્યું છે. આ બ્રિજ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ આધારિત હશે, જેથી નદીમાં પાણીનો પ્રવાહ અવરોધાશે નહીં. આશરે 3.5 મીટર ઊંચાઈનો આ એરફિલ્ડ રબર ટાઇપ સ્પેશિયલાઇઝ્ડ બ્રિજ છે. હાલ નદીની વચ્ચે પિલ્લર ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે અને લગભગ 37 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ બ્રિજ ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

રિવરફ્રન્ટ ફેઝ-2માં અત્યાર સુધીમાં રોડ નેટવર્ક સહિત 83 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. સ્ટેપ્ડ એમ્બેન્કમેન્ટ ટાઇપ રિટેનિંગ વોલ, એક્સેસ, મોડેલ પ્રોમિનાડ અને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામો 93 ટકા પૂર્ણ થયાં છે, જે પાછળ રૂ. 399.37 કરોડનો ખર્ચ થયો છે. ફેબ્રુઆરી 2027 સુધીમાં તમામ કામ પૂર્ણ થવાની ધારણા છે. જ્યારે નદીના બંને કાંઠાના રોડ અને રબર કમ બેરેજ ઓવરબ્રિજ પરથી રિવરફ્રન્ટ રોડ પરના એપ્રોચ બ્રિજ સહિતની અન્ય સુવિધાઓ જોડાયેલી કામગીરી 12.50 ટકા પૂર્ણ થઈ છે, જે ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

નવા રિવરફ્રન્ટ વિસ્તારમાં હાલના રિવરફ્રન્ટ કરતાં વધુ હરિયાળી જોવા મળશે. ગ્રીન ઝોન, વિવિધ લેવલ પર ગ્રીનરી, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ કલ્ચરલ પ્રવૃત્તિઓ તેમજ સ્વાસ્થ્ય માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. નદી કિનારે અલગ અલગ લેવલ પર બેઠક વ્યવસ્થા પણ ઊભી કરાશે. સ્ટેપ્ડ એમ્બેન્કમેન્ટ ડિઝાઇનને કારણે નદીનો નજારો નવી રીતે જોઈ શકાશે.

ફેઝ-2 બનવાની સાથે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને પણ રિવરફ્રન્ટ સાથે જોડવામાં આવશે. ભવિષ્યમાં રિવરફ્રન્ટથી સીધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જઈ શકાય એ રીતે કામ કરવામાં આવશે, જેથી હાલમાં સ્ટેડિયમમાં મેટ્રો તરફથી જવાનો જે રોડ છે એ આગળ જતાં ટેમ્પરરી રસ્તો બની જશે. તેનાથી કોઈપણ મેચ કે ઇવેન્ટ દરમિયાન સાબરમતી, પાવર હાઉસ, ચાંદખેડા અને મોટેરામાં થતા ટ્રાફિકજામમાંથી છુટકારો મળશે.

ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો અને 2012માં ફેઝ-1નું ઉદ્ઘાટન તેમના હસ્તે જ થયું હતું. 38 કિમીની લંબાઈ સાથે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે.