સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર: સાબરમતીમાં ગણેશ વિસર્જન દરમિયાન 3 યુવકો ડૂબ્યા, 2 બચ્યા, 1 લાપતા

ગાંધીનગર: સાબરમતીમાં ગણેશ વિસર્જન દરમિયાન 3 યુવકો ડૂબ્યા, 2 બચ્યા, 1 લાપતા

ગાંધીનગર નજીક શાહપુર બ્રિજ પાસે સાબરમતી નદીમાં શુક્રવારે સાંજે દુર્ઘટના સર્જાઈ હતી. ગણેશ વિસર્જન બાદ નદીમાં ન્હાવા ઉતરેલા ત્રણ યુવકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બે યુવકોને સલામત બહાર કાઢ્યા હતા. એક યુવક હજુ પાણીમાં ગરકાવ છે, જેની શોધખોળ ચાલુ છે.

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી એક ખાનગી કંપનીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ઉત્સવ પૂરો થતાં શુક્રવારે મૂર્તિનું વિસર્જન કરવાનું હતું. તે માટે સુરેશ શ્રીયતીપલ પટેલ, આદર્શ કુમાર શંકર શાહ અને આનંદકુમાર રામ નામના ત્રણ યુવકો શાહપુર બ્રિજ પાસે સાબરમતી નદીના કિનારે પહોંચ્યા હતા. મૂર્તિનું વિસર્જન કર્યા પછી ત્રણેય નદીમાં ન્હાવા ઉતર્યા હતા. પાણી ઊંડું હોવાથી ત્રણેય યુવકોએ અચાનક સંતુલન ગુમાવ્યું અને ડૂબવા લાગ્યા.

ઘટનાસ્થળે આસપાસના લોકોમાં અફળાતફળી મચી ગઈ હતી. ડૂબતા યુવકોમાંથી સૂરજ અને આદર્શ નામના બે યુવકોએ મહામહેનતે પાણીમાંથી બહાર નીકળી પોતાનો બચાવ કર્યો હતો.

જોકે તેમની સાથે આવેલો 27 વર્ષીય આનંદકુમાર રામ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પ્રતીક ડોડીયા પોતાની રેસ્ક્યુ ટીમ સાથે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લાપતા યુવકની નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ડીપ ટ્રફ સક્રિય થતાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. હવે ડીપ ટ્રફ નબળો પડી રહ્યો હોવાથી આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે અને 24 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. નદી-કોરિયામાં પાણીની ઊંડાઈ અને પ્રવાહ વધુ હોઈ શકે છે, તેથી નાગરિકોને સાવચેતી રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.