અમદાવાદ સહિત ગુજરાતના ભક્તો માટે માતા વૈષ્ણોદેવીના દર્શન કરવાનું હવે વધુ સરળ બનશે. પશ્ચિમ રેલવેએ સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાવી છે. આ નિર્ણયથી શ્રદ્ધાળુઓ સીધા કટરા પહોંચી શકશે અને જમ્મુ તવીથી આગળ વધારાના વાહનનો ખર્ચ તથા સમય બચશે.
રેલવેની જાહેરાત મુજબ, ટ્રેન નંબર 19223નું કટરા સુધી વિસ્તૃત સંચાલન 18 ઓક્ટોબરથી શરૂ થશે. આ ટ્રેન સાબરમતીથી સવારે 10:25 વાગ્યે ઉપડી બીજા દિવસે સાંજે 6:55 વાગ્યે શ્રી માતા વૈષ્ણોદેવી કટરા પહોંચશે.
પરત દિશામાં ટ્રેન નંબર 19224નું સંચાલન 20 ઓક્ટોબરથી શરૂ થશે. આ ટ્રેન કટરાથી સવારે 4:50 વાગ્યે ઉપડી બીજા દિવસે બપોરે 2:05 વાગ્યે સાબરમતી પહોંચશે.
અત્યાર સુધી શ્રદ્ધાળુઓને જમ્મુ તવી સુધી ટ્રેનમાં મુસાફરી કર્યા બાદ કટરા પહોંચવા માટે ટેક્સી કે બસનો સહારો લેવો પડતો હતો. ટ્રેન સીધી કટરા સુધી જતી થતાં શ્રદ્ધાળુઓનો સમય અને પૈસા બંને બચશે. વડીલો અને પરિવાર સાથે મુસાફરી કરતા લોકોને આનો સૌથી વધુ લાભ થશે.
અમદાવાદ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાંથી સાબરમતી પહોંચીને મુસાફરી કરતા ભક્તોને પણ આ કનેક્ટિવિટી ઉપયોગી બનશે. નવરાત્રિ, દિવાળી અને અન્ય રજાઓ દરમિયાન વૈષ્ણોદેવી દર્શનનું આયોજન કરતા શ્રદ્ધાળુઓ માટે આ વધુ અનુકૂળ વિકલ્પ બનશે.