અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમનો પુનર્વિકાસ પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. 55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં બિલ્ડિંગનું રિસ્ટોરેશન 95% પૂરું થઈ ગયું છે, જ્યારે પાથવે અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ 70% પૂર્ણ થયું છે.
1917માં સ્થપાયેલો આ આશ્રમ 1930 સુધી દેશના સ્વાતંત્ર્ય આંદોલનનું મુખ્ય કેન્દ્ર રહ્યો હતો. હવે તેને 5 એકરથી વિસ્તારીને 55 એકર કરવામાં આવ્યો છે. ગાંધી આશ્રમ મેમોરિયલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 36 મૂળ ઇમારતોનું મૂળ સ્વરૂપમાં રિસ્ટોરેશન કરાયું છે. જેમાં ગૌશાળા, ડેહલા પુણી કેન્દ્ર, દસ ઓરડી, સરદાર કુટીર, રંગશાળા, આશ્રમ શાળા, જૂનું રસોડું, ઉદ્યોગ મંદિર, યંગ ઈન્ડિયા, બાલ મંદિર, આનંદ ભવન, જૂનું હાથ કાગળનું કારખાનું, સોમનાથ છાત્રાલય, કાર્યાલય અને ચાર કુટુંબ નિવાસનો સમાવેશ થાય છે.
કેમ્પસમાં અત્યાર સુધી 6,998 વૃક્ષો, 63,986 શ્રબ્સ અને 1,03,178 છોડ સહિત કુલ 1.78 લાખથી વધુ વનસ્પતિનું વાવેતર કરાયું છે. બહારનો અવાજ અંદર ન આવે તે માટે પેરીફેરી બફર ડેન્સ (વન કવચ) પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.
આકર્ષણનું કેન્દ્ર બનેલો ‘મોહન ટુ મહાત્મા’ યાત્રા ગાર્ડન ગાંધીજીના પ્રારંભિક જીવનથી લઈને ‘મહાત્મા’ બનવા સુધીની સફર દર્શાવે છે. 10 જુદા જુદા રંગની થીમમાં ગાંધીજીના જીવનના તબક્કા રજૂ કરતા છોડ અને વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ યાત્રાના અંતે એક તળાવ પણ બનાવાયું છે. ઉપરાંત, ગાંધીજીની પ્રતિકૃતિમાંથી એરિયલ વ્યૂમાં દેખાતો હર્બલ ગાર્ડન પણ બનાવાયો છે, જેમાં શરીરના દરેક અંગ માટે ઉપયોગી છોડ વાવવામાં આવ્યા છે.
પ્રોજેક્ટમાં 22 બિલ્ડિંગમાં ગાંધીજીના જીવન અને મૂલ્યો દર્શાવતું મ્યુઝિયમ અને એક્ઝિબિશન તૈયાર થશે. કન્ટેન્ટ એપ્રુવલની પ્રક્રિયા ચાલી રહી છે અને મંજૂરી મળ્યા બાદ આશરે 3 મહિનામાં જમીન પર કામ શરૂ થશે.
મુલાકાતીઓ માટે 250 કાર અને 25 બસની પાર્કિંગ વ્યવસ્થા, ઓરિએન્ટેશન સેન્ટર, ફૂડ કોર્ટ અને રેઈન ફોરેસ્ટ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મુખ્ય પ્રવેશ દ્વાર કલેક્ટર કચેરી તરફથી રાખવામાં આવ્યો છે. આખા આશ્રમને જોવા માટે પાંચ કલાક પણ ઓછા પડે તેવી સંભાવના છે.