કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'માં 2002ના ગોધરા સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડ અંગેની ટિપ્પણીથી વિવાદ સર્જાયો છે. પુસ્તકમાં તેમણે લખ્યું છે કે ટ્રેનમાં આગ લાગવાનું કારણ શું હતું તે અંગે વિવાદ છે. આ ટિપ્પણી સામે હવે સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડની તપાસ કરનાર ગુજરાત પોલીસની વિશેષ તપાસ દળ (SIT)ના વડા રહી ચૂકેલા રાકેશ અસ્થાનાએ સવાલ ઊઠાવ્યા છે.
રાકેશ અસ્થાનાએ દાવો કર્યો છે કે ટ્રેનમાં આગ કોઈ અકસ્માત નહોતો, પરંતુ દેશને અસ્થિર કરવાના ષડયંત્રના ભાગરૂપે લગાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ એક મોટું ષડયંત્ર હતું, જેનો હેતુ દેશમાં અસ્થિરતા ઊભી કરવાનો હતો. તેમના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન પાકિસ્તાન સુધી આ ષડયંત્રના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું.
અસ્થાનાએ વધુમાં જણાવ્યું કે તે સમયે ગુપ્તચર વિભાગ (IB) તરફથી ઇનપુટ મળ્યા હતા કે અયોધ્યામાં બોમ્બ વિસ્ફોટ થઈ શકે છે. સાધુના વેશમાં આવીને કમંડળમાં બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના હોવાની માહિતી હતી. આ ઉપરાંત અન્ય સંવેદનશીલ સ્થળોએ પણ વિસ્ફોટ કરવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો કે આવી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાનની ISIની ભૂમિકા રહેતી હતી અને આ જ ષડયંત્રના ભાગરૂપે કારસેવકોથી ભરેલી સાબરમતી એક્સપ્રેસની બોગીને નિશાન બનાવવામાં આવી હતી.
તપાસ દરમિયાન અમન ગેસ્ટ હાઉસના માલિક અબ્દુલ રઝાક કુરકુરની ભૂમિકા પણ સામે આવી હતી. તેની તપાસ કરતાં પાકિસ્તાનથી અનેક ફોન કોલ્સ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત હિઝબુલના આતંકીઓની અવરજવર અંગે પણ માહિતી મળી હતી. અસ્થાનાએ કહ્યું કે કારસેવકોને નિશાન બનાવવાની અને તેમના પ્રવાસના માર્ગો પર હુમલા કરવાની તૈયારી કરવામાં આવી હતી.
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફથી તપાસમાં કોઈ દબાણ હતું કે નહીં તેવા સવાલના જવાબમાં રાકેશ અસ્થાનાએ સ્પષ્ટ કહ્યું કે તેમના પર કોઈ દબાણ નહોતું. તેમણે જણાવ્યું કે ઘટના જે વિસ્તારમાં બની હતી તે મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર હતો. તપાસમાં અનેક મુસ્લિમ અધિકારીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કેટલાક અધિકારીઓએ વેશ બદલીને પણ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિત કોઈપણ તરફથી તપાસમાં દખલગીરી કરવામાં આવી નહોતી અને પોલીસને નિષ્પક્ષ રીતે કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી.
રાકેશ અસ્થાનાએ જસ્ટિસ યુ.સી. બેનર્જી કમિશનના રિપોર્ટ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. આ કમિશને પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે કારસેવકો ટ્રેનમાં સ્ટવ લઈને મુસાફરી કરી રહ્યા હતા અને તેમાં આગ લાગવાથી સાબરમતી એક્સપ્રેસમાં અગ્નિકાંડ સર્જાયો હતો. આ દાવાને ફગાવતાં અસ્થાનાએ કહ્યું કે એક પીડિતે યુ.સી. બેનર્જી કમિશનના રિપોર્ટને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હાઈકોર્ટે તે રિપોર્ટને રદ કર્યો હતો.