સત્ય. સાહસ. સંકલ્પ.

સાબરમતી નદી પર બુલેટ ટ્રેનનો 480 મીટર લાંબો પુલ તૈયાર, 12 માળ જેટલી ઊંચાઈ

સાબરમતી નદી પર બુલેટ ટ્રેનનો 480 મીટર લાંબો પુલ તૈયાર, 12 માળ જેટલી ઊંચાઈ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે. અમદાવાદમાં સાબરમતી નદી પર 480 મીટર લાંબા પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે. સાબરમતી સ્ટેશનથી તે લગભગ 1 કિમી અને અમદાવાદ સ્ટેશનથી 4 કિમી દૂર છે.

લગભગ 36 મીટર (આશરે 118 ફૂટ) ઊંચો આ પુલ 12 માળની ઇમારત જેટલો ઊંચો છે. અમદાવાદમાં બુલેટ ટ્રેનનો રૂટ ફ્લાયઓવર, પુલ, રેલવે લાઇન અને મેટ્રો કોરિડોર જેવા હાલના ઢાંચાઓ ઉપરથી પસાર થાય છે, તેથી જરૂરી ઊંચાઈ જાળવવા માટે આ પુલના થાંભલા સામાન્ય કરતાં વધુ ઊંચા રાખવામાં આવ્યા છે. પુલ જમીનથી આશરે 14.8 મીટરની ઊંચાઈ પરથી પસાર થાય છે.

નદીના જળપ્રવાહમાં ઓછામાં ઓછો અવરોધ થાય તે માટે પુલમાં 6 થી 6.5 મીટર વ્યાસ ધરાવતા કુલ 8 ગોળાકાર થાંભલા બનાવવામાં આવ્યા છે. જેમાંથી 4 થાંભલા નદીના પટમાં, 2 થાંભલા નદીના બંને કાંઠે (દરેક બાજુ એક) અને 2 થાંભલા નદીના કાંઠાની બહાર સ્થાપિત કરવામાં આવ્યા છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મોટાભાગના નદી પુલોમાં આશરે 40 મીટરના નાના સ્પૅન હોય છે, જ્યારે સાબરમતી નદીના પુલમાં 50 થી 76 મીટર સુધીના લાંબા સ્પૅન બનાવવામાં આવ્યા છે. આ પુલમાં 76 મીટરના 5 સ્પૅન અને 50 મીટરના 2 સ્પૅન સામેલ છે. દરેક સ્પૅનમાં 23 સેગમેન્ટ છે, જેનું નિર્માણ સ્થળ પર જ કરવામાં આવ્યું હતું. લાંબા સ્પૅનને કારણે નદીના પટમાં થાંભલાઓની સંખ્યા ઘટાડી શકાઈ છે.

પુલનું નિર્માણ અત્યાધુનિક 'બેલેન્સ્ડ કેન્ટિલિવર મેથડ' દ્વારા કરવામાં આવ્યું છે. આ પદ્ધતિમાં નદીમાં પરંપરાગત સ્કેફોલ્ડિંગ વગર થાંભલાઓથી બંને બાજુ સંતુલિત રીતે સેગમેન્ટ જોડીને પોસ્ટ-ટેન્શનિંગ દ્વારા મજબૂત બ્રિજ ડેક તૈયાર કરવામાં આવે છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ 25 નદી પુલોનું નિર્માણ થવાનું છે, જે પૈકી 21 પુલ ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં આવેલા છે. સાબરમતી નદી પરના આ પુલના નિર્માણ સાથે હવે ગુજરાતમાં આયોજિત 21 પૈકી 18 નદી પુલોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.