સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના આદિવાસી વિસ્તારોમાં ચોમાસું પૂરું થતાં જ પાણીની તંગી ગંભીર બની છે. આ વર્ષે સરેરાશ કરતાં ઘણો ઓછો અને અનિયમિત વરસાદ પડ્યો, જેના કારણે ઓક્ટોબર મહિનામાં જ તળાવો અને કુદરતી જળસ્રોત સુકાઈ ગયા છે. જે તળાવો સામાન્ય રીતે એપ્રિલ-મે સુધી ભરેલા રહેતાં, તે હવે તળિયાઝાટક થઈ ગયા છે.
ખેડબ્રહ્મા તાલુકાના ચાંગોદ, સૂકાઆંબા, રતનપુર, બાવળ કાંઠિયા, બાડીયાનું તળાવ, સેબલિયા તેમજ પોશીના તાલુકાના દોતડ, કોટડા, ચોલીયા, નવાગરા, દેમતી, માલવાસ, નાડા, દંત્રાલ, ટેટેબડા, દેડકા અને પોલાપાણ સહિત 20થી વધુ ગામોમાં પીવાના પાણીની તીવ્ર સમસ્યા ઊભી થઈ છે. આ વિસ્તારની જીવાદોરી ગણાતું કોલંદનું તળાવ પણ સુકાઈ જતાં ચિંતા વધી છે.
જળાશયો ખાલી થવાથી જમીનમાં પાણીનો ભરાવો (રિચાર્જ) થઈ શકતો નથી, જેથી સ્થાનિક કૂવા અને બોરવેલના તળ ઊંડા ઊતરી ગયા છે. આની સીધી અસર ખેતી પર પડી છે, ખાસ કરીને રવિ પાકની આગામી સીઝન પર જોખમ ઊભું થયું છે.
પાણીની સાથે પશુધન માટે ઘાસચારાની પણ ભારે અછત છે. સીમ અને ગોચરમાં લીલું ઘાસ સુકાઈ જતાં પશુઓને ખોરાક માટે દૂર દૂર પહાડો અને કોતરોમાં ભટકવું પડી રહ્યું છે. આદિવાસી પરિવારો માટે પશુપાલન મુખ્ય આજીવિકા હોવાથી, ઘાસચારા અને પાણીના અભાવે દૂધ ઉત્પાદન ઘટવા સાથે તેમની રોજીરોટી પર પણ અસર પડી છે.
જો વહીવટી તંત્ર દ્વારા આ ગામોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવીને સમયસર પાણી અને ઘાસચારાની વ્યવસ્થા ન કરવામાં આવે, તો આગામી દિવસોમાં મોટાપાયે પશુઓ અને શ્રમજીવી પરિવારોનું સ્થળાંતર થવાની શક્યતા છે.