સત્ય. સાહસ. સંકલ્પ.

સાબરકાંઠાના ૧૨ ગામોના ખેડૂતોનો કડક નિર્ણય: કંપનીઓએ માંગણીઓ ન માની તો બટાકાનું વાવેતર બંધ

સાબરકાંઠાના ૧૨ ગામોના ખેડૂતોનો કડક નિર્ણય: કંપનીઓએ માંગણીઓ ન માની તો બટાકાનું વાવેતર બંધ

સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝન દરમિયાન ખેડૂતો મોટા પાયે બટાકાનું વાવેતર કરે છે. અહીં મોટાભાગે કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના માધ્યમથી બટાકાની ખેતી થાય છે. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો અને કંપનીઓ વચ્ચે ભાવ અને શરતોને લઈને અસંતોષ વધ્યો છે. વધતા ખેતી ખર્ચની સામે પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોમાં રોષ જોવા મળે છે.

આ મામલે હિંમતનગર તાલુકાના હડિયોલ ગામે ૧૨થી વધુ ગામોના બટાકા ઉગાડતા ખેડૂતોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી રવિ સિઝન માટેની રણનીતિ નક્કી કરવામાં આવી છે. ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે ડીઝલ, ખાતર, જંતુનાશક દવાઓ અને ખેતમજૂરીના દરમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ બટાકાના ભાવમાં કોઈ વધારો થયો નથી.

ખેડૂતોના જણાવ્યા મુજબ, ગત વર્ષે કંપનીઓએ બટાકાના ભાવમાં પ્રતિ ૨૦ કિલોએ ૧૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. હાલમાં કંપનીઓ ૨૦ કિલો બટાકાના આશરે ૨૪૫થી ૨૫૮ રૂપિયા ચૂકવે છે. ખેડૂતોનું કહેવું છે કે આ ભાવે ખેતી પોષાય તેમ નથી અને તેમને પ્રતિ ૨૦ કિલોએ ઓછામાં ઓછા ૩૦૦ રૂપિયા મળવા જોઈએ.

હડિયોલ ગામે મળેલી સભામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની આંટીઘૂંટીઓ અને કંપનીઓ દ્વારા કરાતી વિવિધ કપાત અંગે ચર્ચા થઈ હતી. અગાઉ આ મુદ્દે વાટાઘાટો થઈ હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતાં ખેડૂતોએ એકજૂથ થઈને કંપનીઓ સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે:

  • વજનમાં થતી કપાત બંધ કરવી.
  • લોડિંગ ખર્ચ કંપનીઓ ભોગવે.
  • 'બ્રાઉન સ્પોટ'ના બહાને થતી કપાત બંધ કરવી.
  • કોન્ટ્રાક્ટના ભાવમાં યોગ્ય વધારો કરવો.

ખેડૂતોએ એકસુરે નિર્ણય લીધો છે કે જો કંપનીઓ આ માંગણીઓ સ્વીકારશે, તો જ તેઓ આ સિઝનમાં બટાકાનું વાવેતર કરશે. નહીં તો તેઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હેઠળ બટાકાનું વાવેતર સંપૂર્ણપણે બંધ કરી દેશે. ખેડૂતોએ વૈકલ્પિક રવિ પાકોનું વાવેતર કરવાની તૈયારી પણ દર્શાવી છે.

જો આગામી દિવસોમાં કંપનીઓ દ્વારા યોગ્ય પ્રતિસાદ નહીં મળે, તો વિવાદ વધુ ઉગ્ર બની શકે છે. ખેડૂતો મોટા આંદોલન તરફ વળે તેવી શક્યતા છે.