સત્ય. સાહસ. સંકલ્પ.

માણસા IIFL બ્રાંચ મેનેજરની હત્યા: પ્રેમિકા અને પ્રેમીએ રૂ. 6 લાખના લેણદેણમાં કરી ખૂન, પ્રેમિકા ઝડપાઈ

માણસા IIFL બ્રાંચ મેનેજરની હત્યા: પ્રેમિકા અને પ્રેમીએ રૂ. 6 લાખના લેણદેણમાં કરી ખૂન, પ્રેમિકા ઝડપાઈ

સાબરકાંઠા જિલ્લાના માણસા ખાતે આવેલી IIFL ફાયનાન્સ શાખાના મેનેજર ભરત ચૌધરી (ઉં.વ. 42)ની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. ગત 2 સપ્ટેમ્બરે પ્રાંતિજ તાલુકાના કરોલ અને લીમલા-વડવાસા ત્રણ રસ્તા પાસેથી સફેદ વર્ના કાર (નંબર GJ-27-BS-9166)માં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

સાબરકાંઠા LCB અને પ્રાંતિજ પોલીસની તપાસમાં સામે આવ્યું કે, ભરત ચૌધરી સાથે ભાવના ઠાકોર અને તેના પ્રેમી યોગેશ ઠાકોરનો રૂ. 6 લાખનો વ્યવહાર હતો. ભાવનાએ ભરત પાસેથી રૂ. 1.50 લાખ અને યોગેશે અલગ-અલગ લોન પેટે રૂ. 4.50 લાખ લીધા હતા. આ ઉપરાંત ભાવનાએ ભરત પાસે સોનાના દાગીના પણ ગીરવે મૂક્યા હતા.

આ રકમ પરત ન આપવી પડે અને ગીરવે મૂકેલું સોનું પાછું મેળવવા માટે બંને આરોપીઓએ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. યોજના મુજબ, ભાવનાએ ભરતને ફોન કરી પ્રાંતિજ બોલાવ્યો હતો. યોગેશ તેમને કારમાં માણસાથી લઈને આવ્યો હતો, ત્યારબાદ ભાવના પણ કારમાં બેસી ગઈ હતી.

વડવાસા નજીક નેશનલ હાઈવે-48ના સર્વિસ રોડ પાસે ભાવનાએ ભરતને પકડી રાખ્યો હતો, જ્યારે યોગેશે તીક્ષ્ણ હથિયાર વડે તેમના ગળા પર હુમલો કરી કારની અંદર જ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ બંને મૃતદેહને કારમાં જ મૂકીને નિકાલ માટે લઈ જઈ રહ્યા હતા, પરંતુ લીમલા-વડવાસા તરફ જતી વખતે કાર રોડની બાજુના ખાડામાં ફસાઈ ગઈ. કાર ન નીકળતાં બંને આરોપી તેને સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયા.

પોલીસે તપાસ દરમિયાન પ્રાંતિજના 999 સરકારી વસાહતના એક બંધ મકાનમાંથી ભાવના ઉર્ફે ભાવુ રોહિતજી દશરથજી ઠાકોર (રહે. પ્રાંતિજ)ની ધરપકડ કરી છે. પૂછપરછમાં તેણે સમગ્ર કાવતરું કબૂલ્યું છે. મુખ્ય આરોપી યોગેશજી ગોકળજી ઠાકોર (રહે. માણસા) હાલ ફરાર છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તેની શોધખોળ શરૂ કરી છે.