સત્ય. સાહસ. સંકલ્પ.

સાણંદમાં પિતાએ 10 વર્ષના દીકરાની હત્યા કરી, લાશ ખાટલામાં મૂકી બાજુમાં સૂતો રહ્યો

સાણંદમાં પિતાએ 10 વર્ષના દીકરાની હત્યા કરી, લાશ ખાટલામાં મૂકી બાજુમાં સૂતો રહ્યો

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિંછીયા ગામમાં કરુણ ઘટના સામે આવી છે. 37 વર્ષીય ભારતીબેન પટેલ તેમના પતિ નરેશ પટેલ અને 10 વર્ષના દીકરા કરણ સાથે રહેતા હતા. દસ દિવસ પહેલા ભારતીબેનનો પતિ સાથે ઝઘડો થયો હતો, જેમાં નરેશે તેમને માર માર્યો હતો. આથી ભારતીબેન પિયર ગયા હતા. દીકરા કરણની પરીક્ષા હોવાથી તેને પિતા સાથે જ રાખ્યો હતો.

1 નવેમ્બરની સાંજે પાડોશીએ ફોન કરીને જણાવ્યું કે નરેશે કરણને લાકડીથી માર માર્યો છે. ભારતીબેન તેમના માતા-પિતા, ભાઈ અને ભાભી સાથે તાત્કાલિક વિંછીયા ગામે પહોંચ્યા. રાત્રે 9 વાગ્યે ઘર પાસેની જોગણીમાતાની દેરી પાસે તેમને કરણ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં મળ્યો. તપાસ કરતાં તેનું મોત થયું હતું. બીજા ખાટલામાં નરેશ સૂતો હતો અને તેના કપડાં પર લોહીના ડાઘ હતા.

ભારતીબેને નરેશને પૂછ્યું તો તેણે જણાવ્યું કે તેના પિતા માતાજીના ભૂવા હતા અને તે પોતે પણ ભૂવો છે. હવે તેના પછી કોઈ ભૂવો ન થાય તે માટે તેણે કરણને માતાજીની દેરી આગળ બંને પગેથી પકડીને બે-ત્રણ વખત પછાડ્યો અને માથામાં લાકડી મારીને હત્યા કરી. આ સાંભળીને પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો અને ભારતીબેને તાત્કાલિક પોલીસને જાણ કરી.

સાણંદ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અને FSLની ટીમે તપાસ હાથ ધરી છે. કરણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ભારતીબેને પતિ નરેશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. સાણંદ પોલીસ વધુ તપાસ કરી રહી છે.