સત્ય. સાહસ. સંકલ્પ.

સાબર ડેરીમાં ચૂંટણી પહેલાં ઓડિયો વિવાદ: ભાવફેરના રૂપિયાની વાતચીત વાયરલ

સાબર ડેરીમાં ચૂંટણી પહેલાં ઓડિયો વિવાદ: ભાવફેરના રૂપિયાની વાતચીત વાયરલ

સાબરકાંઠાની સાબર ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પહેલાં એક નવો વિવાદ સામે આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ડેરીના સુપરવાઈઝર મનીષની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં દૂધના ભાવફેરના રૂપિયાના વ્યવહાર અને સભાસદો પાસેથી નાણાં મેળવીને ‘વહીવટ’ કરવાની વાતચીત સંભળાય છે. મનીષને શામળ પટેલનો ભત્રીજો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ ઓડિયો ક્લિપની સત્યતા અને તેમાં સંભળાતા અવાજની ઓળખની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.

ઓડિયો ક્લિપમાં 30 રૂપિયાના દૂધના 32 રૂપિયા આપીને વધારાના બે રૂપિયા પરત મેળવી લેવાની વાત કરવામાં આવી રહી છે. આ રીતે ભાવફેરની રકમ સભાસદો પાસેથી મેળવીને વ્યવહાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બીજી ઓડિયો ક્લિપમાં પણ ભાવફેરની રકમ એકત્રિત કરીને ‘વહીવટ’ પાડવાની અને સેટિંગ કરવાની વાતો સંભળાતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે અગાઉ પણ આવી ઓડિયો ક્લિપ્સ સામે આવી હોવા છતાં સાબર ડેરીના MD સુભાષ પટેલ દ્વારા મનીષ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં? જો દૂધમાં ભેળસેળ અને ભાવફેરની રકમના વ્યવહારમાં ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપો છે, તો ડેરીના જવાબદાર અધિકારીઓ અને ડિરેક્ટરો દ્વારા અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યાં છે?

બીજી તરફ, સાબર ડેરીમાં અનેક સેવા મંડળીઓ બંધ થઈ રહી હોવાના અહેવાલો વચ્ચે નવી અને કથિત નકલી સેવા મંડળીઓ ઊભી કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં નીચેથી લઈને ઉપર સુધી ચાલતા હોવાનો દાવો કરવામાં આવતા આ ‘વહીવટ’માં કોણ-કોણ સામેલ છે, તે તપાસનો વિષય બન્યો છે.

માત્ર ઓડિયો ક્લિપ જ નહીં, પરંતુ સાબર ડેરીના MD સુભાષ પટેલ સામે ભરતી પ્રક્રિયામાં પણ મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભરતી પ્રક્રિયા અંગેની પૂરતી વિગતો વાર્ષિક અહેવાલમાં કેમ ઉપલબ્ધ નથી, તે અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. વધુમાં, નિવૃત્તિ બાદ પણ સુભાષ પટેલને એક્સ્ટેન્શન કેમ આપવામાં આવી રહ્યું છે, તે મુદ્દો પણ ચર્ચામાં છે.

શું સાબર ડેરીનો વહીવટ સંભાળી શકે તેવી અન્ય કોઈ સક્ષમ વ્યક્તિ ઉપલબ્ધ નથી? શું ડેરીમાં કોઈ ચોક્કસ જૂથ અન્ય વ્યક્તિને આગળ આવવા દેતું નથી? ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પહેલાં સામે આવેલા આ નવા આક્ષેપો વચ્ચે હવે ડેરીના જવાબદાર સત્તાધીશો શું ખુલાસો કરે છે અને સમગ્ર મામલે કોઈ તપાસ કે કાર્યવાહી થાય છે કે નહીં, તેના પર સૌની નજર છે.

ઉલ્લેખનીય છે કે સાબર ડેરીના ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આક્ષેપ છે કે ડેરીના મોટાભાગના કોન્ટ્રાક્ટ માત્ર સાત કંપનીઓને જ મળે છે, જે બાબુ બારદાનના પરિવાર સાથે સંકળાયેલી છે.