બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની બહેન સબા પટૌડી લાઇમલાઇટથી દૂર રહે છે. જોકે, તે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે અને પોતાની તથા પરિવારની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં તેમણે એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે, 27 વર્ષની ઉંમરે તેમને બ્રેન ટ્યુમર હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તે અંદરથી તૂટી ગઈ હતી.
સોહા અલી ખાનના પોડકાસ્ટ ‘ઓલ અબાઉટ હર’ના તાજેતરના એપિસોડમાં સબા અલી ખાન અને ડૉ. માઝદા તુરેલે બ્રેન ટ્યુમર તથા મગજને સ્વસ્થ રાખવા અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન સબાએ તે દિવસની વાત કરી, જ્યારે તે બેભાન થઈ ગઈ હતી અને ત્યારબાદ બનેલી ઘટનાઓને કારણે તેમને સર્જરી કરાવવી પડી હતી.
સબાએ કહ્યું, “આ બધું અચાનક થયું હતું. મને પહેલાંથી કોઈ લક્ષણો કે એવી કોઈ સમસ્યા નહોતી, જેના કારણે આવું થઈ શકે. એક દિવસ હું બહાર ગઈ હતી અને મને લાગ્યું કે કદાચ મારા પેટમાં તકલીફ છે, કારણ કે મારું પેટ પહેલેથી જ સંવેદનશીલ રહ્યું છે. મને લાગ્યું કે મેં કંઈક એવું ખાધું કે પીધું હશે, જે મને અનુકૂળ ન આવ્યું હોય. અચાનક હું બેભાન થઈ ગઈ. મને ખૂબ જ બેચેની થઈ રહી હતી, તેથી મેં મારા મિત્રને કહ્યું કે મને સારું લાગતું નથી. કદાચ આપણે ઘરે પાછા જવું જોઈએ.”
સબાએ આગળ કહ્યું, “અમે બહાર નીકળવાના જ હતાં કે અચાનક બધું ધૂંધળું દેખાવા લાગ્યું. જ્યારે મને ભાન આવ્યું, ત્યારે હું બિલ્ડિંગની બરાબર બહાર રસ્તા પર પડી હતી. મેં ફરીથી મારા મિત્રને કહ્યું કે, આપણે પાછા જવું પડશે, કારણ કે મને બિલકુલ સારું લાગતું નહોતું. મને સંપૂર્ણ ભાનમાં આવતાં લગભગ 20થી 25 મિનિટ લાગી હતી. ત્યારબાદ પણ મારું મગજ થોડું ધૂંધળું હતું અને મને સંપૂર્ણપણે ભાન આવ્યું નહોતું.”
સબાનું તાત્કાલિક એમઆરઆઈ કરવામાં આવ્યું હતું. ડૉક્ટરોને તેમના મગજના ત્રીજા વેન્ટ્રિકલમાં એક શેડો જોવા મળ્યો હતો. ત્યારબાદ તેમને કોલોઇડ સિસ્ટ હોવાનું જાણવા મળ્યું હતું.
સબાએ જણાવ્યું કે, એમઆરઆઈના લગભગ છ મહિના બાદ તેમની સર્જરી કરવામાં આવી હતી. આ ગાંઠને પાયલોસાઇટિક એસ્ટ્રોસાઇટોમા તરીકે ઓળખવામાં આવી હતી, જે બ્રેન ટ્યુમરનો એક પ્રકાર છે અને સામાન્ય રીતે તેને લો-ગ્રેડ એટલે કે ધીમે વિકસતી ગાંઠ માનવામાં આવે છે.
સબાએ આગળ કહ્યું, “27 વર્ષની ઉંમરે મારી સાથે કંઈક એવું બન્યું હતું, જેની મને બિલકુલ અપેક્ષા નહોતી અને તેની કોઈ ચેતવણી પણ મળી નહોતી. આવી સ્થિતિમાં તમારું જીવન અચાનક થંભી ગયું હોય એવું લાગે છે, કારણ કે ત્યારબાદ કંઈ જ સામાન્ય લાગતું નથી. એક દિવસ તમે સ્વસ્થ હો છો અને બીજા જ દિવસે તમને ખબર પડે છે કે તમારા મગજની સર્જરી થવાની છે.
“આ એપેન્ડિક્સ કઢાવવાની જેમ સરળ બાબત નથી. આ તમને અંદરથી તોડી નાખે છે, પરંતુ સાથે-સાથે મજબૂત પણ બનાવે છે, કારણ કે તમારે તેનો સામનો કરવો પડે છે. હું અચાનક કોઈ કારણ વગર રડવા લાગતી હતી. તમે એવી પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હો છો, જેની તમે ક્યારેય કલ્પના પણ કરી ન હોય. મારી સાથે જે થયું હતું, તે કોઈ પણ ચેતવણી વિના થયું હતું.”
આ વર્ષે મે મહિનામાં સબા પટૌડીએ પરિવાર સાથે પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પરિવારના પ્રેમ અને સાથ સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.