સાઉથ આફ્રિકાની ટી-20 લીગ (SA20)એ પોતાના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. 10 જાન્યુઆરી 2023ના રોજ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર લીગની પ્રથમ મેચ રમાઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં લીગની 16 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે, જ્યારે ટીવી પર 50 કરોડથી વધુ લોકોએ મેચો જોઈ છે. સોશિયલ મીડિયા પર લીગના ફોલોઅર્સની સંખ્યા 40 લાખ સુધી પહોંચી છે.
લીગની પાંચમી સીઝન 17 જાન્યુઆરી 2027થી શરૂ થશે. ઉદ્ઘાટન મેચમાં ગત સીઝનના ફાઇનલિસ્ટ સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ અને પ્રિટોરિયા કેપિટલ્સ સામસામે ટકરાશે. સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ અત્યાર સુધીની ચારેય સીઝનની ફાઇનલમાં પહોંચી છે. તેણે 2023, 2024 અને 2026માં ખિતાબ જીત્યો છે, જ્યારે 2025માં MI કેપટાઉને ટ્રોફી જીતી હતી.
પાંચમી સીઝનમાં સાઉથ આફ્રિકાના ઘણા સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળશે, જેમાં ડેવિડ મિલર, કાગિસો રબાડા, એડન માર્કરમ, લુંગી એનગિડી અને રેયાન રિકલ્ટનનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓમાં જોસ બટલર, સુનીલ નરેન, રાશિદ ખાન, ફિલ સોલ્ટ અને મિચેલ માર્શ પણ લીગમાં ભાગ લેશે. રાશિદ ખાન છ ટીમોની લીગમાં એકમાત્ર બિન-સાઉથ આફ્રિકન કેપ્ટન છે.
સીઝન-5 માટે ખેલાડીઓનું ઓક્શન 7 ઓક્ટોબરે જોહાનિસબર્ગમાં યોજાશે. તેમાં 19 ખેલાડી સ્લોટ ઉપલબ્ધ છે અને ચાર ફ્રેન્ચાઇઝીઓ પાસે કુલ 2.10 મિલિયન ડોલર ખર્ચ કરવાની મર્યાદા છે. ડરબન સુપર જાયન્ટ્સ અને પાર્લ રોયલ્સ પોતાની 19 ખેલાડીઓની સ્ક્વોડ પૂર્ણ કરી ચૂકી છે, તેથી બંને ટીમો ઓક્શનમાં ભાગ નહીં લે.
SA20 સીઝન-5ની મેચોની ટિકિટો 5 નવેમ્બર 2026થી વેચાણ માટે ઉપલબ્ધ થશે. ટિકિટો લીગની વેબસાઇટ અને છ સ્ટેડિયમની ટિકિટ ઓફિસ પરથી ખરીદી શકાશે.
લીગના કમિશનર ગ્રીમ સ્મિથે કહ્યું કે છેલ્લી ચાર સીઝનમાં SA20એ વર્લ્ડ ક્લાસ ક્રિકેટ, નવી પ્રતિભા અને ચાહકો માટે યાદગાર અનુભવ પૂરો પાડતું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. પાંચમી સીઝનમાં લીગ નવા ઇનોવેશન સાથે તેને વધુ આગળ લઈ જવાની તૈયારીમાં છે.