સત્ય. સાહસ. સંકલ્પ.

યુક્રેનમાં યુદ્ધ વકર્યું: રશિયાએ કિવ છોડવા ચેતવણી આપી, ઝેલેન્સ્કીએ ઓઇલ રિફાઇનરી પર હુમલાની ધમકી આપી

યુક્રેનમાં યુદ્ધ વકર્યું: રશિયાએ કિવ છોડવા ચેતવણી આપી, ઝેલેન્સ્કીએ ઓઇલ રિફાઇનરી પર હુમલાની ધમકી આપી

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ શિયાળા પહેલા વધુ ગંભીર બની રહ્યું છે. રશિયન વિદેશ મંત્રાલયે યુક્રેનની રાજધાની કિવમાં રહેતા તમામ વિદેશી નાગરિકો અને વિવિધ દેશોના દૂતાવાસના કર્મચારીઓને તાત્કાલિક શહેર છોડી દેવા ચેતવણી આપી છે. રશિયાએ કહ્યું છે કે તે કિવ અને અન્ય મોટા શહેરોમાં સૈન્ય સુવિધાઓ પર હુમલા ચાલુ રાખશે.

રશિયન વિદેશ મંત્રાલયે આક્ષેપ કર્યો છે કે યુક્રેનની સેના રશિયન નાગરિકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત હુમલા કરી રહી છે. જે લોકો આ ચેતવણીને ધ્યાનમાં નહીં લે, તેમને થતા કોઈપણ નુકસાનની જવાબદારી તેમની પોતાની રહેશે, એવું રશિયાએ જણાવ્યું છે.

બીજી બાજુ, યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રોઇટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે યુક્રેન રશિયા સામે ઝૂકશે નહીં. તેમણે ધમકી આપી છે કે યુક્રેન રશિયાની ઓઇલ રિફાઇનરીઓ પર હુમલા બમણા કરશે, કારણ કે રશિયા આ યુદ્ધ લડવા માટે તેલના વેચાણમાંથી જ પૈસા કમાય છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે અમે નાગરિક લક્ષ્યો પર હુમલો નહીં કરીએ, પરંતુ રશિયાની ઉર્જા સુવિધાઓ પર વળતો પ્રહાર કરીશું.

ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે યુક્રેનની ગુપ્તચર એજન્સીઓને એવા દસ્તાવેજો મળ્યા છે, જે દર્શાવે છે કે પુતિને શિયાળા પહેલા કિવમાંથી લોકોને ભાગી જવા મજબૂર કરવા માટે શાળાઓ, હોસ્પિટલો, ડેટા સેન્ટર, રસ્તા અને ઉર્જા પ્રણાલીઓ પર બોમ્બમારો કરવાની યોજના બનાવી છે.

રશિયાએ પ્રથમ વખત પૂર્વ અને પશ્ચિમ કિવને જોડતા ડિનિપ્રો નદીના પુલને જેટ-સંચાલિત ડ્રોનથી નિશાન બનાવ્યો છે, જેથી કિવના 30 લાખ નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત થાય.

આ યુદ્ધ ચાર વર્ષથી ચાલી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન શાંતિ માટે વાટાઘાટો શરૂ કરવા પ્રયત્ન કરી રહ્યું છે. ગયા મહિને ટ્રમ્પે યુક્રેનને રશિયન ઓઇલ પ્લાન્ટ્સ પર હુમલા ન કરવા વિનંતી કરી હતી, કારણ કે તેનાથી વૈશ્વિક સ્તરે ડીઝલના ભાવ વધી રહ્યા છે.

પુતિન શાંતિ વાટાઘાટો પહેલા સમગ્ર ડોનબાસ પર રશિયાનું નિયંત્રણ હોવાની શરત મૂકી રહ્યા છે. પરંતુ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે યુક્રેને 'ઓપરેશન વિવાલ્ડી' હેઠળ પૂર્વ ડોનબાસમાં લગભગ 140 ચોરસ કિલોમીટર વિસ્તાર રશિયા પાસેથી પાછો મેળવ્યો છે અને લડાઈ ચાલુ છે.