સત્ય. સાહસ. સંકલ્પ.

રશિયાના હુમલાથી યુક્રેનમાં અંધારપટ, કીવમાં વીજળી અને પાણી બંધ

રશિયાના હુમલાથી યુક્રેનમાં અંધારપટ, કીવમાં વીજળી અને પાણી બંધ

રશિયાએ યુક્રેનમાં વીજમથકો અને વીજલાઇનો સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભીષણ હુમલો કર્યો છે. આ હુમલાના કારણે રાજધાની કીવમાં અંધારપટ છવાઈ ગયો છે અને લોકોને પાણી વગર ટળવળવાની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. હુમલામાં નવ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

અગાઉના એક ભયાનક હુમલામાં મૃત્યુઆંક 55 સુધી પહોંચ્યો છે, જે દર્શાવે છે કે હુમલો કેટલો ભયાનક હતો. રશિયાએ યુક્રેનના કોમ્સીયાહુવખા ગામમાં કરેલા હુમલામાં એક શાળા અને તેની નજીકનું શેલ્ટર પણ ભોગ બન્યું હતું.

ગામના રહેવાસી મિકોલા ક્રેસનોવે જણાવ્યું કે તેઓ હજી પોતાની પત્નીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ બચાવકર્મીઓએ તેમને કોઈ માહિતી આપી નથી. તેમણે કહ્યું કે તેમની પત્ની માનવીય સહાય મેળવવા આવી હતી ત્યારે ત્રણ ટનનો બોમ્બ પડ્યો હતો. તેમણે પૂછ્યું, 'તે ક્યાં છે? તે ઘરે પરત ફરી નથી, તેમનો મૃતદેહ મળ્યો નથી, મોર્ગમાં પણ નથી, અને તે જીવતી પણ નથી.' કામિશુવાખા ગામ ઝાપોરિઝજિયા પ્રાંતમાં આવેલું છે.

ત્યારબાદ રશિયાએ કીવ પર વધુ એક મિસાઇલ હુમલો કર્યો, જેમાં કુલ નવ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

યુક્રેને કરેલા વળતા પ્રહારમાં રશિયાના બેલગોરોડ પ્રાંતમાં એક વ્યક્તિનું મોત થયું છે. યુક્રેનના ડ્રોન ગ્રેવોરો ટાઉનના એક મકાન પર ત્રાટકતા આ મોત થયું હતું. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેમના લશ્કરી દળોએ 411 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા છે. આ ડ્રોન રશિયાના કુલ 10 પ્રાંતો પર છોડવામાં આવ્યા હતા, જેમાં બેલગોરોડનો પણ સમાવેશ થાય છે. રશિયન મીડિયાએ જણાવ્યું કે સારાતોવ ઓઇલ રિફાઇનરી પર હુમલો થયો છે અને ધુમાડાની ઇમેજ શેર કરી છે.

રશિયાના ઓરીઓલ પ્રાંતના ગવર્નરે જણાવ્યું કે યુક્રેનના હુમલાને કારણે કોમર્શિયલ વેરહાઉસ અને પ્રોડક્શન સાઇટને નુકસાન પહોંચ્યું છે. આ હુમલાઓ વચ્ચે યુક્રેન અને રશિયા અમેરિકા સાથે મળીને ત્રિપક્ષીય બેઠક યોજવા જઈ રહ્યા છે. રશિયા, અમેરિકા અને યુક્રેનના વાટાઘાટકારો બુધવારે અબુધાબીમાં મળવાના છે. આ બેઠક પહેલા જ રશિયાએ આ હુમલો કર્યો છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ હુમલાને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને યુક્રેનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આ પ્રકારના હુમલાની ઝાટકણી કાઢી છે.