સત્ય. સાહસ. સંકલ્પ.

ભારતની વિનંતી બાદ પણ રશિયાના હુમલા, યુક્રેનમાં ત્રણ નાગરિકોના મોત

ભારતની વિનંતી બાદ પણ રશિયાના હુમલા, યુક્રેનમાં ત્રણ નાગરિકોના મોત

રશિયાએ યુક્રેનના ઓડેસા શહેર પર કરેલા એરસ્ટ્રાઈકમાં 28 લોકો ઘાયલ થયા છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ભારતે રશિયાને યુક્રેન યુદ્ધ અટકાવવા વિનંતી કરી હતી. રશિયાએ આ વિનંતી પર ધ્યાન ન આપતાં હુમલા ચાલુ રાખ્યા છે, જેમાં યુક્રેનના ત્રણ નાગરિકોના મોત થયા છે અને ડઝનથી વધુ લોકો ઇજા પામ્યા છે.

યુક્રેનના ઝાપોરિઝજિયા શહેરમાં રશિયાના ડ્રોન હુમલામાં બે લોકોના મોત થયા છે અને એક ઘાયલ થયો છે. આ ઉપરાંત ક્રીવ્યી રિહમાં કરેલા હુમલામાં એકનું મોત થયું છે અને ત્રણને ઇજા થઈ છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, રશિયાએ જેટ પાવર્ડ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલો દ્વારા ભીષણ હુમલા કરીને યુક્રેન પર દબાણ વધાર્યું છે. બ્લેક સી પોર્ટ ઓડેસા અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા આ હુમલામાં કુલ 28 લોકો ઘાયલ થયા હતા. રિજનલ હેડ ઓલેહ કિપરે જણાવ્યું કે આ એક જબરદસ્ત હુમલો હતો.

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે જો યુક્રેનમાં યુરોપના દેશો લશ્કરી દળો કે પીસ કીપિંગ ફોર્સ મોકલશે, તો તેને રશિયા પર સીધું આક્રમણ ગણવામાં આવશે. દિલ્હીમાં ચાલતી બ્રિક્સ સમિટમાં પત્રકારો સાથે વાત કરતાં પુતિને કહ્યું કે યુરોપીયન સરકારો યુક્રેનમાં લશ્કરી દળો મોકલશે તો તેનો સીધો અર્થ રશિયા સાથે યુદ્ધ થશે. તેમણે એવી વાત નકારી કાઢી કે રશિયાથી યુરોપને કોઈ ભય છે. તેમણે કહ્યું કે અમે ક્યારેય યુરોપીયન દેશો માટે ભયજનક ન હતા.

આ યુદ્ધ વચ્ચે અમેરિકન લશ્કર ડ્રોન સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવાની વિચારણા કરી રહ્યું છે. અમેરિકન લશ્કરને યુક્રેનની આર્મીને ડ્રોન સોંપવામાં કોઈ વાંધો નથી, પરંતુ અધિકારીઓના કહેવા મુજબ લશ્કર ડ્રોન આપવા તૈયાર છે, જ્યારે અમેરિકન રાજકારણીઓ હજી સંપૂર્ણપણે આશ્વસ્ત નથી. લશ્કરની દરેક રેન્કમાં ડ્રોન સ્થાપવાનું નક્કી કરાયું છે, પરંતુ ક્યાં કેટલી હદે ડ્રોન સ્થાપવા તે નક્કી થયું નથી.

જર્મનીમાં અમેરિકા અને યુક્રેનના દળોએ સંયુક્ત યુદ્ધ કવાયત કરી હતી. આ વાર્ષિક કવાયતનો ભાગ છે. યુક્રેને આ કવાયતમાં ડ્રોન વોરફેરનું પ્રદર્શન કર્યું હતું. યુક્રેન છેલ્લા સાડા ચાર વર્ષથી આ ડ્રોનની મદદથી રશિયાના હુમલાને ખાળતું આવ્યું છે. અમેરિકનોએ પણ જણાવ્યું કે અમે ડ્રોન બનાવીએ છીએ, પણ યુક્રેનિયનો પાસેથી ડ્રોનનો ઉપયોગ કઈ રીતે કરવો તે શીખ્યા છીએ. ડ્રોન વોરફેર જેવી ટેકનોલોજીના લીધે નાનું યુનિટ મોટા આક્રમણને ફક્ત ખાળતું જ નથી, પરંતુ વળતો પ્રહાર પણ કરી શકે છે.