યુક્રેને 900થી વધુ ડ્રોનથી હુમલો કર્યા બાદ રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો મિસાઇલ હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનના અનેક રહેણાંક વિસ્તારો પર રાતભર હુમલા કર્યા, જેમાં 22થી વધુ નાગરિકોના મોત થયા છે. મૃતકોમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. 60થી વધુ નાગરિકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે.
યુક્રેનના ઉત્તરીય પ્રાંત ચેરનિહીવના પ્રિલુકી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ પર રશિયાએ હુમલો કર્યો, જેમાં આખી ઇમારત નાશ પામી. આ હુમલામાં સૌથી વધુ નાગરિકો માર્યા ગયા. યુક્રેનની રાજધાની કીવ સહિત અન્ય ત્રણ શહેરો અને કુલ 12 વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાની મિસાઇલો અમારા માટે હાલ સૌથી મોટો પડકાર છે. અમારા માટે એર ડિફેન્સ પેકેજ બહુ જરૂરી છે. તેમણે અન્ય દેશો પાસે એર ડિફેન્સ સિસ્ટમ માટે મદદ માંગી છે. ઇરાનમાં યુદ્ધના કારણે યુક્રેન સુધી રશિયા જેવી મિસાઇલો પહોંચી શકતી નથી, જેથી મિસાઇલોની અછત સર્જાઈ છે.
7 ઓક્ટોબરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો 75મો જન્મદિવસ હતો. તે દિવસે યુક્રેન પર આ મિસાઇલો છોડવામાં આવી હોવાના અહેવાલો છે. યુક્રેનને પહેલેથી અંદાજ હતો કે પુતિનના જન્મદિવસ પર રશિયા મોટો હુમલો કરશે.
બીજી તરફ યુક્રેને પણ રશિયા પર વળતો હુમલો કર્યો. ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેને રશિયાના અસ્ત્રખન, સમારા અને પર્મ વિસ્તારોમાં બે ઓઇલ મથકો પર હુમલા કર્યા. સોચી નજીક બ્લેક સમુદ્રમાં રશિયન ઓઇલ ટેન્કરનો નાશ કર્યો. તેમણે સળગતા ટેન્કરની તસવીરો પણ જાહેર કરી. જોકે, રશિયાએ આ દાવા પર કોઈ ટિપ્પણી કરી નથી.
અહેવાલો અનુસાર, યુક્રેને જે ટેન્કર પર હુમલો કર્યો તે લાયબેરિયાથી રશિયા જઈ રહ્યું હતું અને તેમાં 23 ભારતીય ક્રૂ સવાર હતા. બધાને બચાવી લેવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે.
રશિયાએ યુક્રેન પર કબજો કરવાના ઇરાદાથી સાડા ચાર વર્ષ પહેલા શરૂ કરેલું યુદ્ધ હજુ ચાલુ છે. બંને દેશો લાંબા અંતરની મિસાઇલો અને ડ્રોનથી એકબીજા પર હુમલા કરી રહ્યા છે.