રશિયાએ બુધવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની કીવ સહિત લગભગ 12 વિસ્તારો પર મિસાઈલ અને ડ્રોનથી મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર બાળકો સહિત ઓછામાં ઓછા 19 સામાન્ય નાગરિકોનાં મોત થયાં છે, જ્યારે 60 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
યુક્રેનની ગુપ્તચર એજન્સીઓને અગાઉથી મોટા હુમલાની આશંકા હતી, પણ એર ડિફેન્સ મિસાઈલોની તંગીના કારણે તેઓ હુમલો પૂરો રોકી શક્યા નહીં.
સૌથી મોટું નુકસાન ઉત્તરી ચેર્નિહીવ વિસ્તારના પ્રિલુકી શહેરમાં થયું. અહીં રશિયન મિસાઈલ સીધી એક રહેણાંક એપાર્ટમેન્ટ પર પડી, જેનાથી આખી ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ. બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી 18 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા, જેમાં એક વર્ષના ત્રણ બાળકો અને આઠ વર્ષના મેક્સિમનો સમાવેશ થાય છે. બચાવ ટીમોએ 15 લોકોને જીવતા બહાર કાઢ્યા છે. હજુ કેટલાક લોકો લાપતા હોવાથી કાટમાળ હટાવવાનું કામ ચાલુ છે.
આ હુમલો રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના જન્મદિવસે કરવામાં આવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયા સારી રીતે જાણે છે કે તેઓ સામાન્ય શહેરો અને નિર્દોષ બાળકો પર હુમલો કરી રહ્યા છે. તેમણે વિશ્વના નેતાઓને અપીલ કરી કે હવે ચૂપ બેસવાનો સમય નથી; રશિયા પર દબાણ વધારવા યુક્રેનને તાત્કાલિક નવું ડિફેન્સ પેકેજ આપવું જરૂરી છે.
જવાબમાં યુક્રેને મોડી રાત્રે રશિયાના પર્મ, સમારા અને અસ્ત્રાખાન વિસ્તારોમાં બે મહત્વપૂર્ણ ઓઈલ ફેસિલિટી અને એક સૈન્ય ટ્રેનિંગ ગ્રાઉન્ડ પર મિસાઈલ અને લાંબા અંતરના ડ્રોનથી હુમલો કર્યો હતો. કાળા સમુદ્રમાં પણ યુક્રેને જવાબ આપ્યો હતો. ઝેલેન્સ્કીએ સોચી શહેર નજીક સમુદ્રમાં સળગતા તેલ ટેન્કરની તસવીરો શેર કરી હતી, જે નોવોરોસિસ્કથી ભારત તરફ તેલ લઈ જતું હોવાની ચર્ચા છે.
પ્રિલુકી ઉપરાંત પોલ્ટાવા વિસ્તારના ક્રેમેનચુકમાં પણ ભારે વિનાશ થયો છે, જ્યાં બે લોકોનાં મોત થયાં છે અને સાત લોકો ઘાયલ થયા છે. ક્રેમેનચુક પ્રશાસનના જણાવ્યા મુજબ રશિયા સામાન્ય લોકોમાં ભય ફેલાવવા માંગે છે. રાજધાની કીવ સહિત અન્ય ત્રણ શહેરોમાં પણ નાગરિકોના મોતના અહેવાલ સામે આવ્યા છે.
યુક્રેન માટે રશિયાની બેલેસ્ટિક મિસાઈલોને આકાશમાં જ રોકવી સૌથી મોટો પડકાર બની ગયો છે. અમેરિકાએ આપેલી પેટ્રિઅટ ડિફેન્સ સિસ્ટમ માટે મિસાઈલો ખૂટી પડી છે. મધ્ય પૂર્વ અને ઈરાન સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે પેટ્રિઅટ મિસાઈલોની ભારે અછત સર્જાઈ છે, જેને પગલે યુક્રેન આકાશમાંથી વરસતા બોમ્બ સામે લાચાર બની રહ્યું છે. ઊંચાઈ પર ઊડતા રશિયાના નવા જેટ ડ્રોનને નષ્ટ કરવા યુક્રેન સ્થાનિક વિકલ્પો પર નિર્ભર બની રહ્યું છે.