સત્ય. સાહસ. સંકલ્પ.

રશિયા-યુક્રેન યુદ્ધમાં એનર્જી સીઝફાયરની જાહેરાત, ટ્રમ્પનો દાવો

રશિયા-યુક્રેન યુદ્ધમાં એનર્જી સીઝફાયરની જાહેરાત, ટ્રમ્પનો દાવો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે દાવો કર્યો છે કે રશિયા અને યુક્રેન વચ્ચે તાત્કાલિક અસરથી એનર્જી સીઝફાયર લાગુ થઈ ગયું છે. ટ્રમ્પે તેમના 'ટ્રુથ સોશિયલ' પ્લેટફોર્મ પર લખ્યું કે બંને દેશોએ એકબીજાના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો ન કરવાનું સ્વીકાર્યું છે અને આ કરાર તોડવામાં આવશે નહીં.

જોકે, આ સીઝફાયર અંગે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેમને આ જાહેરાતની માહિતી ટ્રમ્પ તરફથી જ નથી મળી. અમેરિકન મીડિયા રિપોર્ટ 'એક્સિયોસ' અનુસાર ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું કે જો રશિયા એનર્જી સીઝફાયર માટે સહમત થશે તો યુક્રેન પણ તેને સ્વીકારશે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે આ પહેલાં યુક્રેનને નવા રાષ્ટ્રપ્રમુખની જરૂર હોવાનું કહ્યું હતું. તેમણે ઝેલેન્સકી પર રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા પૂરતા પ્રયાસો ન કરવાનો આરોપ લગાવ્યો હતો અને અમેરિકામાં ડીઝલની વધતી કિંમતો માટે પણ તેમને જવાબદાર ઠેરવ્યા હતા.

શનિવારે ટ્રમ્પે રશિયન રિફાઇનરીઓ પર યુક્રેનના હુમલાઓને અમેરિકામાં ડીઝલના ભાવ વધવાનું કારણ ગણાવ્યું હતું અને ઝેલેન્સકીને હુમલા રોકવા કહ્યું હતું. જવાબમાં ઝેલેન્સકીએ રવિવારે કહ્યું કે જો મોસ્કો યુક્રેનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા બંધ કરે તો યુક્રેન રશિયન તેલ રિફાઇનરીઓ પર હુમલા રોકવા તૈયાર છે.

નિષ્ણાતોના મતે, જો બંને દેશો આ સીઝફાયરનું પાલન કરે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવ ઘટી શકે છે. પરંતુ અત્યાર સુધી કોઈ સત્તાવાર સંયુક્ત જાહેરાત કે લિખિત કરાર સામે આવ્યો નથી.