મોસ્કો : અમેરિકાએ રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયત્નો ફરી શરૂ કરતાં બંને દેશોએ ત્રણ દિવસનો યુદ્ધવિરામ પાળવાનો નિર્ણય કર્યો છે. અમેરિકન પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર શનિવારે મોસ્કો પહોંચ્યા હતા અને રશિયન અધિકારીઓ સાથે મંત્રણા કરી હતી.
આ મંત્રણાના પગલે રશિયન પ્રમુખ પુતિને કીવ સહિત યુક્રેનના લક્ષ્યાંકો પરના હુમલા 72 કલાક માટે અટકાવવાનો આદેશ આપ્યો છે. યુક્રેને પણ આ સમયગાળા દરમિયાન રશિયા પર હુમલા નહીં કરવાની ખાતરી આપી છે.
ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યું કે અમેરિકન પ્રતિનિધિઓના આગમનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકન પ્રતિનિધિઓને રશિયન રાજદૂત કિરિલ દમિત્રિયેવ પણ મળ્યા હતા. અગાઉ જાન્યુઆરીમાં પણ આ બંને અધિકારીઓએ પુતિન સાથે મંત્રણા કરી હતી, પરંતુ કીવની મુલાકાત લીધી નથી. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ આશા વ્યક્ત કરી કે તેઓ રવિવારે કીવની મુલાકાતે આવશે.
આ યુદ્ધવિરામ એવા સમયે આવ્યો છે જ્યારે યુદ્ધ પાંચમા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. તાજેતરમાં રશિયાએ કીવ અને અન્ય શહેરો પર હવાઈ હુમલા તીવ્ર બનાવ્યા હતા. શુક્રવારે રશિયાએ કીવમાં યુક્રેનની સિક્યોરિટી સર્વિસ (SBU)ના મુખ્ય મથક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયા હતા.
યુક્રેને પણ રશિયાના લશ્કરી એકમો, તેલ શુદ્ધિકરણ કારખાનાં અને અન્ય મહત્વના સ્થળો પર ડ્રોન હુમલા કર્યા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે યુક્રેને રોસ્તોવ અને વોરોનેઝ પ્રાંતમાં 167 ડ્રોન મોકલ્યા હતા, જેમાંથી 128ને તોડી પાડવામાં આવ્યા. યુક્રેને પણ રશિયાના 53 ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે.
યુદ્ધના કારણે રશિયાના સામાન્ય નાગરિકો પણ પરેશાન છે. યુક્રેનના હુમલાઓથી રશિયાની તેલ શુદ્ધિકરણ ક્ષમતાને ફટકો પડ્યો છે, જેના કારણે પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાઈ છે. યુક્રેનના હુમલાઓએ રશિયન અર્થતંત્ર અને લશ્કરી આગેકૂચ બંનેને અસર કરી છે.
ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો કે રશિયાએ કીવ અને બોરીસ્પિલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર હુમલા કરીને અમેરિકન પ્રતિનિધિમંડળની મુલાકાતને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો. તેમણે જણાવ્યું કે આગામી સપ્તાહે તેઓ રશિયન હવાઈ ક્ષેત્રમાં પોતાની કામગીરીમાં ફેરફાર કરશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા ઇરાન સાથેના તણાવને કારણે આ યુદ્ધ પર ઓછું ધ્યાન આપી રહ્યું હતું, પરંતુ હવે તેણે ફરી શાંતિ પ્રયત્નો વેગ આપ્યો છે.