સત્ય. સાહસ. સંકલ્પ.

રશિયાની લેબમાં વૈજ્ઞાનિકનું પ્લેગથી મોત, બ્રિટિશ ભવિષ્યવક્તાની આગાહી પર ચર્ચા

રશિયાની લેબમાં વૈજ્ઞાનિકનું પ્લેગથી મોત, બ્રિટિશ ભવિષ્યવક્તાની આગાહી પર ચર્ચા

રશિયાના સાઇબિરીયા પ્રદેશમાં આવેલી એક ગુપ્ત પ્રયોગશાળામાં ૨૮ વર્ષીય વૈજ્ઞાનિક ડાર્યા શિપિલોવાનું મૃત્યુ થયું છે. અહેવાલો અનુસાર, તેમને પ્લેગના સૌથી ગંભીર સ્વરૂપ 'ન્યુમોનિક પ્લેગ' (ફેફસાના પ્લેગ)નો ચેપ લાગ્યો હતો. લેબમાં કામ કરતી વખતે તેમના હાથમાંથી જીવંત બેક્ટેરિયા ધરાવતી ટેસ્ટ ટ્યુબ તૂટી પડી હતી, જેના કારણે આ સંક્રમણ થયું હોવાનું મનાય છે. ૧ ઓક્ટોબરે તેમનું મૃત્યુ થયું.

આ ઘટના બાદ રશિયન વહીવટીતંત્રમાં ખળભળાટ મચ્યો છે. અંદાજે ૨૦૦ લોકોને ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ડાર્યા સાથે કામ કરતા ૬૦થી વધુ સહયોગીઓને સંશોધન સંસ્થાની અંદર જ બંધ કરી દેવામાં આવ્યા છે. ઇરકુત્સ્ક વિસ્તારની પાંચ મોટી હોસ્પિટલોને ત્રણ અઠવાડિયા માટે 'મહામારી મોડ' પર મૂકીને સીલ કરી દેવામાં આવી છે.

આ મૃત્યુને બ્રિટિશ નાગરિક ક્રેગ હેમિલ્ટન-પાર્કરની ભવિષ્યવાણી સાથે જોડીને ચર્ચા થઈ રહી છે. હેમિલ્ટન-પાર્કર સોશિયલ મીડિયા પર 'વિનાશના ભવિષ્યવક્તા' તરીકે ઓળખાય છે. તેમણે ગત ૨૪ સપ્ટેમ્બરે એક વીડિયોમાં દાવો કર્યો હતો કે ફેફસાં પર હુમલો કરતી એક ખતરનાક બેક્ટેરિયલ મહામારી આવવાની છે, જેને કાબૂમાં લેવી મુશ્કેલ બનશે. તેમણે કહ્યું હતું કે તેમના ઘરે અચાનક આવેલા બે તિબ્બતી ભિક્ષુઓએ તેમને આ ગુપ્ત જાણકારી આપી હતી. હેમિલ્ટન-પાર્કર અગાઉ કોરોના મહામારી અને મહારાણી એલિઝાબેથના મૃત્યુની સચોટ આગાહી કરવાનો દાવો કરી ચૂક્યા છે.

જોકે, હેમિલ્ટન-પાર્કરની આગાહી અને રશિયન ઘટના વચ્ચે કોઈ પુખ્ત પુરાવો નથી. નિષ્ણાતોના મતે, આવી ભવિષ્યવાણીઓ પછીની ઘટનાઓ સાથે જોડી દેવામાં આવે છે, જેને વૈજ્ઞાનિક આધાર નથી. હેમિલ્ટને પોતાના વીડિયોમાં આશ્વાસન પણ આપ્યું છે કે પ્રાચીન તિબ્બતી ગ્રંથોમાં આ બીમારીનો ઇલાજ છે અને માનવતા AIની મદદથી ટૂંક સમયમાં તેને કાબૂમાં લઈ લેશે.

અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પરંતુ હાલ ગભરાવાની જરૂર નથી. રશિયન સત્તાવાળાઓ તરફથી આ મામલે સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.