સત્ય. સાહસ. સંકલ્પ.

રશિયા ચૂંટણી: પુતિનની પાર્ટીને 355 બેઠકો, વિરોધ પક્ષો પર પ્રતિબંધ વચ્ચે વિક્રમી વિજય

રશિયા ચૂંટણી: પુતિનની પાર્ટીને 355 બેઠકો, વિરોધ પક્ષો પર પ્રતિબંધ વચ્ચે વિક્રમી વિજય

રશિયામાં રવિવારે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ટેકો આપતા સત્તાધારી પક્ષ 'યુનાઇટેડ રશિયા'એ મોટી જીત મેળવી છે. દેશની સંસદના નીચલા ગૃહ 'સ્ટેટ ડુમા'ની કુલ 450 બેઠકોમાંથી પક્ષને 355 બેઠકો મળી છે, જે તેના સંસદીય ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે.

સેન્ટ્રલ ઇલેક્શન કમિશનના વડાં એલા પેમ્ફિલોવાએ જણાવ્યું કે 95%થી વધુ મતદાન મથકોની ગણતરી પૂરી થઈ ગઈ છે. પ્રમાણસર પ્રતિનિધિત્વવાળી 225 બેઠકોમાંથી યુનાઇટેડ રશિયાને 58%થી થોડી ઓછી બેઠકો મળી છે, જ્યારે બાકીની 225 વિભાગીય બેઠકોમાં તેના ઉમેદવારો 208 બેઠકો પર વિજયી થયા છે. 2021ની ચૂંટણીમાં આ પક્ષે 324 બેઠકો જીતી હતી.

ફેબ્રુઆરી 2022માં યુક્રેન સાથે સૈન્ય સંઘર્ષ શરૂ થયા પછી રશિયામાં યોજાયેલી આ પ્રથમ સંસદીય ચૂંટણી છે. પુતિને આ ચૂંટણીને યુક્રેન મોરચે લડી રહેલા સૈનિકોના સમર્થન અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે રજૂ કરી હતી. દેશમાં કુલ 56.66% મતદાન નોંધાયું, જેમાં મોસ્કોમાં ઊંચું મતદાન થયું હતું.

આ ચૂંટણી વિવાદોથી પણ ઘેરાયેલી રહી. યુદ્ધ વિરોધી વલણ ધરાવતા મુખ્ય પક્ષ 'યાબ્લોકો'ને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકાયો હતો, જોકે તેના કેટલાક નેતાઓને અમુક બેઠકો પર વ્યક્તિગત ધોરણે લડવાની છૂટ મળી હતી. સરકાર વિરોધી અનેક નેતાઓ તથા અપક્ષ ઉમેદવારોની ઉમેદવારી રદ થયાના અહેવાલો પણ સામે આવ્યા છે.

રસપ્રદ વાત એ છે કે પુતિન ઔપચારિક રીતે 'યુનાઇટેડ રશિયા'ના સામાન્ય સભ્ય નથી. પક્ષના નિયમ મુજબ રાષ્ટ્રપતિ બનવા માટે સભ્યપદ જરૂરી નથી. તેમણે 2008થી 2012 દરમિયાન પક્ષાધ્યક્ષ તરીકે કામ સંભાળ્યું હતું, પણ ત્યારે પણ તેઓ સામાન્ય સભ્ય નહોતા. 2012માં તેમણે પદ છોડ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે પક્ષાધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો હતો.

ચૂંટણીના અંતિમ દિવસે સુરક્ષા તણાવ વધ્યો હતો. રવિવારે મોસ્કો અને તેની આસપાસના વિસ્તારોમાં યુક્રેન તરફથી 1,600થી વધુ ડ્રોન છોડાયાના અહેવાલ હતા. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને કહ્યું કે માત્ર રાજધાની પર જ 450 જેટલા ડ્રોન છોડાયા હતા, જેને રશિયન એર ડિફેન્સે નિષ્ફળ બનાવ્યા હતા.