યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાની સંસદ 'સ્ટેટ ડ્યુમા'ની 450 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પહેલીવાર યોજાયેલી આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તાધારી 'યુનાઇટેડ રશિયા' પાર્ટી 57 ટકા મત સાથે મોટી જીત તરફ આગળ વધી રહી છે.
ચૂંટણી પંચના શરૂઆતી આંકડા પ્રમાણે, પુતિનની પાર્ટીને સંસદમાં બે-તૃતીયાંશ બહુમતી મળવાની ધારણા છે. આ ચૂંટણીમાં લગભગ 57 ટકા મતદાન થયું છે, જે અગાઉની ચૂંટણીઓ કરતાં વધુ છે. પુતિને આ મતદાનને રાષ્ટ્રીય એકતા અને સરહદ પર લડી રહેલા સૈનિકોના સમર્થન સાથે સરખાવ્યું હતું. અંતિમ અને સત્તાવાર પરિણામો 25 સપ્ટેમ્બરની આસપાસ જાહેર થવાની શક્યતા છે.
આ ચૂંટણીમાં યુદ્ધનો ખુલ્લો વિરોધ કરતી 'યાબ્લોકો' જેવી વિપક્ષી પાર્ટીઓ અને યુદ્ધ-વિરોધી વલણ ધરાવતા ઉમેદવારોને મુખ્ય રાષ્ટ્રીય યાદીમાંથી બહાર કરવામાં આવ્યા હતા. જેના કારણે ચૂંટણીમાં માત્ર એ પક્ષો જ રહ્યા હતા, જે પુતિન અને સરકારની નીતિઓનું સમર્થન કરે છે.
ચૂંટણીના અંતિમ દિવસે યુક્રેને મોસ્કો અને તેની આસપાસના વિસ્તારો પર 1600થી વધુ ડ્રોન વડે મોટો હુમલો કર્યો હતો. જેમાંથી લગભગ 450 ડ્રોન સીધા મોસ્કો તરફ આગળ વધી રહ્યા હતા. આ હુમલામાં બે લોકોના મોત થયા હતા અને રાજધાનીની એક મોટી ઓઇલ રિફાઇનરીને નુકસાન પહોંચ્યું હતું.
આ મોટા હુમલા બાદ રશિયા ટૂંક સમયમાં જવાબી હુમલો કરી શકે છે. બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી અને રશિયન ઓઇલ ખરીદી પર પ્રતિબંધ લાદતા નવા અમેરિકન બિલ પર હસ્તાક્ષર કરવા બદલ તેમનો આભાર માન્યો હતો.