સત્ય. સાહસ. સંકલ્પ.

રશિયામાં નોકરીના નામે ભરતી: વિદેશ મંત્રાલયે ભારતીયોને ચેતવણી આપી

રશિયામાં નોકરીના નામે ભરતી: વિદેશ મંત્રાલયે ભારતીયોને ચેતવણી આપી

રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયન સેનામાં ભારતીય નાગરિકોને ફસાવવાના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલય (MEA)એ નવી એડવાઇઝરી બહાર પાડી છે. મંત્રાલયે ભારતીયોને ચેતવણી આપી છે કે ટૂંકા ગાળામાં વધુ પૈસા કમાવવાની લાલચમાં અનધિકૃત એજન્ટોના કહેવાથી રશિયન સેનામાં ભરતી થવું જીવલેણ સાબિત થઈ શકે છે. કોઈપણ નોકરીની ઓફર સ્વીકારતા પહેલાં તેની સંપૂર્ણ ચકાસણી કરવાની અપીલ સરકારે કરી છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે વધુ પૈસા કમાવવાની લાલચમાં રશિયન સૈન્યમાં જોડાવું જીવલેણ બની શકે છે. અગાઉ કેટલાક ભારતીયો પોતાની મરજીથી રશિયન આર્મીમાં જોડાયા હતા અને યુદ્ધ મોરચે ફસાઈ જતાં તેમણે ભારત સરકાર સમક્ષ મુક્તિ માટે વિનંતી કરી હતી. કેટલાક લોકોએ રશિયન પાસપોર્ટ મેળવવા અને ત્યાંની આર્મીમાં જોડાવા માટે ભારતીય નાગરિકતા છોડવાના પ્રયાસો પણ કર્યા હતા.

એડવાઇઝરીમાં જણાવાયું છે કે એનજીઓ અને સ્વયંસેવી જૂથો સહિતની કેટલીક સંસ્થાઓ વિદેશી નાગરિકોને રશિયન આર્મી માટે ભરતી કરી રહી છે. આથી ભારતીય નાગરિકોએ કોઈપણ નોકરી સ્વીકારતા પહેલાં તેની કાયદેસરતા ચકાસી લેવી જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે ભારપૂર્વક કહ્યું કે બિન-નોંધાયેલા એજન્ટો કે સંસ્થાઓ દ્વારા આવતી ઓફરોથી સાવધ રહેવું જરૂરી છે.

સરકારે ચેતવણી આપી છે કે ટૂંકા ગાળાના આર્થિક લાભ માટે લેવાયેલા ખોટા નિર્ણયોના પરિણામો ગંભીર અને જીવલેણ બની શકે છે. ભારત સરકાર રશિયન સેનામાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને વહેલી તકે સુરક્ષિત પરત લાવવા માટે રશિયન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.