રશિયા ક્રૂડ ઓઇલની નિકાસ પછી હવે સોનાના મોટા નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે રશિયન સરકારનો ખર્ચ ઘણો વધી ગયો છે અને આ ખર્ચ સામે ટકવા માટે રશિયાએ અત્યાર સુધીમાં લગભગ 50 ટન સોનું વેચી દીધું છે.
પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધોના કારણે લંડન સહિતના બજારોમાં રશિયાના સોનાની આવક બંધ થઈ ગઈ છે. તેથી રશિયાએ પોતાનો સોનાનો વેપાર એશિયાઈ બજારો તરફ વાળ્યો છે.
આ વર્ષ 2026ના પહેલા છ મહિનામાં હોંગકોંગે રશિયા પાસેથી લગભગ 14.4 અબજ ડોલરનું સોનું આયાત કર્યું છે. ગયા વર્ષ 2025માં હોંગકોંગે રશિયા પાસેથી 9.6 અબજ ડોલરનું સોનું ખરીદ્યું હતું. એટલે આ વર્ષે આયાતમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે. વર્ષ 2023 અને 2024ની સરખામણીમાં આ આંકડો ત્રણથી ચાર ગણો છે.
હોંગકોંગ રશિયા પાસેથી ખરીદેલું સોનું એશિયાના અન્ય દેશો સુધી પણ પહોંચાડે છે. આ કારણે રશિયા સોનાના વેપારનું એક મોટું કેન્દ્ર બની ગયું છે.
સોનાની માંગ દેશમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં વધી રહી છે. તેમ છતાં રશિયા પોતાનો સોનાનો ભંડાર વેચી રહ્યું છે, જેનું મુખ્ય કારણ યુદ્ધનો વધતો ખર્ચ છે.
વિશ્વમાં સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા દેશોમાં ચીન પહેલા સ્થાને છે. ચીન પાસે 384.3 મેટ્રિક ટન સોનું છે. બીજા સ્થાને રશિયા છે, જેની પાસે લગભગ 345 મેટ્રિક ટન સોનું છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા 293.2 ટન સાથે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં કેનેડા, પેરુ, ઘાના અને અમેરિકા પણ સામેલ છે.