સત્ય. સાહસ. સંકલ્પ.

યુએનમાં રશિયા-જર્મની આમને-સામને: લાવરોવે બર્લિનને કહ્યું, 'બીજા વિશ્વયુદ્ધમાંથી બોધપાઠ લીધો છે?'

યુએનમાં રશિયા-જર્મની આમને-સામને: લાવરોવે બર્લિનને કહ્યું, 'બીજા વિશ્વયુદ્ધમાંથી બોધપાઠ લીધો છે?'

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્ર દરમિયાન રશિયા અને જર્મની વચ્ચેનો તણાવ ખુલ્લીને સામે આવી ગયો છે. રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે જર્મનીની યુક્રેન યુદ્ધ ઘટાડવાની માગને ફગાવી દીધી છે. તેમણે જર્મનીને યુક્રેનનો મુખ્ય પ્રાયોજક ગણાવ્યું અને યુરોપમાં સૈન્ય શક્તિ બનવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.

સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરતાં લાવરોવે કહ્યું, 'શું બર્લિનને સમજ છે કે આનાથી શું પરિણામો આવી શકે છે? શું તેમણે બીજા વિશ્વયુદ્ધમાંથી બોધપાઠ નથી લીધો?'

ઉલ્લેખનીય છે કે, 2022માં યુક્રેન પર રશિયાના મોટા પાયે આક્રમણ પછી બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે આ પહેલી આમને-સામને મુલાકાત થઈ હતી. જર્મન વિદેશ મંત્રી જોહાન વાડેફુલની અપીલ પર યોજાયેલી આ બેઠકમાં લાવરોવે જર્મન મંત્રી પર રશિયાની નિંદા કરવાનું જૂનું વલણ દોહરાવવાનો આરોપ મૂક્યો.

સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ પર વિવાદ

લાવરોવે જાપાનના સૈન્યવાદની પણ ટીકા કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે, રશિયા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષચના કાયમી સભ્યપદ માટે જર્મની અને જાપાનની કોઈપણ માગ પર વીટોનો ઉપયોગ કરશે. તેમણે યાદ અપાવ્યું કે, આ બંને દેશોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રશિયા, બ્રિટન અને અમેરિકા સામે લડ્યા હતા. અમેરિકા લાંબા સમયથી આ દેશો અને ભારતના કાયમી સભ્યપદનું સમર્થન કરતું રહ્યું છે.

જવાબમાં જાપાનના ઉપ રાજદૂત મિકાનાગી તોમોહિરોએ કહ્યું કે, 'અમારો દેશ શાંતિપ્રિય છે.' તેમના મતે સ્વતંત્રતા, લોકશાહી અને માનવાધિકાર જાપાનના દરેક નિર્ણયનો આધાર છે.

પશ્ચિમી દેશો પર નિશાન

લાવરોવે પશ્ચિમી દેશો પર આરોપ લગાવ્યો કે, તેઓ રશિયાને વ્યુહાત્મક હાર આપવા માગે છે, પરંતુ તેમની આ ઈચ્છા તેમને પોતાને જ મુશ્કેલીમાં ધકેલી દેશે. તેમણે દાવો કર્યો કે, ઓગસ્ટ 2025માં અલાસ્કામાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે યુક્રેન યુદ્ધ ખતમ કરવાને લઈને સમજૂતી થઈ હતી અને રશિયા આજે પણ તેના પર પાછા ફરવા તૈયાર છે.

બીજી તરફ જર્મન વિદેશ મંત્રી વાડેફુલે યુએનને સંબોધતા કહ્યું કે, રશિયાનું યુદ્ધ લાખો નિર્દોષ લોકોના જીવ, યુક્રેનની સાર્વભૌમતા અને યુરોપીય શાંતિને બરબાદ કરી રહ્યું છે. તેમણે રશિયાને યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવા અને વાતચીત શરૂ કરવાની અપીલ કરી.