રશિયાના સાઇબેરિયા પ્રદેશના ઇર્કુત્સ્ક શહેરમાં સ્થિત એન્ટિ-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એક ગંભીર ઘટના સામે આવી છે. 28 વર્ષીય સંશોધક ડારિયા શિપિલોવાનું અજાણ્યા સંક્રમણને કારણે મોત થયું છે. આ ઘટના બાદ લેબોરેટરી સાથે સંપર્કમાં આવેલા 200થી વધુ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જોકે, રશિયન અધિકારીઓએ હજુ સુધી સંક્રમણના ચોક્કસ કારણ અંગે સ્પષ્ટતા કરી નથી.
અહેવાલો મુજબ, લેબોરેટરીમાં સંશોધન દરમિયાન એક બેક્ટેરિયલ ટેસ્ટ ટ્યૂબ તૂટી જતાં સંક્રમણ ફેલાયું હોવાની આશંકા છે. ત્યારબાદ લેબમાં કામ કરતા કેટલાક કર્મચારીઓમાં પણ સંક્રમણના લક્ષણો જોવા મળ્યા હોવાના અહેવાલ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સંભવિત સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
ડારિયા શિપિલોવાના મોત અંગે રશિયન તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમનું મોત ગંભીર ન્યુમોનિયાને કારણે થયું હતું. જોકે, ન્યુમોનિયા પાછળ કયા પ્રકારનું સંક્રમણ જવાબદાર હતું તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી. આ ઘટના પ્લેગ સંબંધિત સંશોધન કરતી લેબોરેટરીમાં બની હોવાથી ચિંતા વધી છે. પરંતુ મૃતક સંશોધકને પ્લેગ થયો હતો કે અન્ય કોઈ અજાણ્યા પેથોજેનના સંપર્કમાં આવવાથી તેમનું મોત થયું હતું, તે અંગે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો સ્થિતિ ગંભીર નથી તો 200થી વધુ લોકોને ક્વોરન્ટીન કરવાની જરૂર કેમ પડી? શું લેબમાં ફેલાયેલું સંક્રમણ ખરેખર એટલું જોખમી છે કે તેના કારણે મોત થઈ શકે? હાલમાં સંક્રમણનું ચોક્કસ કારણ અને તેની ગંભીરતા અંગે રહસ્ય યથાવત છે. સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે લેબોરેટરીમાં ખરેખર કયા પેથોજેનનો ફેલાવો થયો હતો અને તેનાથી કેટલું જોખમ ઊભું થયું છે.
ગવર્નરે શરૂઆતમાં રોગનું નામ જાહેર કર્યું ન હતું. શેલેખોવના મેયર મેક્સિમ મોડિને પણ લોકોને સત્તાવાર માહિતી પર ભરોસો રાખવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું હજુ વહેલું ગણાશે.