બ્રિટિશ અભિનેતા અને કોમેડિયન રસેલ બ્રાન્ડને દુષ્કર્મ અને જાતીય શોષણના ચાર અલગ-અલગ કેસોમાં દોષી ઠેરવ્યા બાદ લંડનની સાઉથવાર્ક ક્રાઉન કોર્ટે તેમને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. 1999થી 2009 વચ્ચેની ઘટનાઓ સાથે જોડાયેલા કુલ સાત કેસોની તપાસ થઈ હતી, જેમાંથી ચારમાં તેમને દોષી અને ત્રણમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
આ આરોપો પ્રથમ વખત સપ્ટેમ્બર 2023માં બે બ્રિટિશ ટેલિવિઝન ચેનલો અને અખબારોની સંયુક્ત તપાસ બાદ જાહેરમાં આવ્યા હતા. ત્યારબાદ બ્રિટિશ પોલીસે તપાસ શરૂ કરી હતી. બીબીસીના અહેવાલ મુજબ, આ કેસોમાં દુષ્કર્મ અને જાતીય ઉત્પીડનના આરોપોની તપાસ કરવામાં આવી હતી.
દોષી ઠરાવાયેલા કેસોની ઘટનાક્રમ આ પ્રમાણે છે: 1999માં દક્ષિણ ઇંગ્લેન્ડના બોર્નમથમાં એક મહિલા સાથે દુષ્કર્મ; 2001માં લંડનમાં એક મહિલા સાથે ઓરલ દુષ્કર્મ અને જાતીય ઉત્પીડન; 2004માં લંડનની એક બારમાં જન્મદિવસની પાર્ટી દરમિયાન એક મહિલાનું જાતીય ઉત્પીડન; અને 2009માં એક કોમેડી શો બાદ બેકસ્ટેજ મળવા આવેલી મહિલા ચાહકને ઘરે લઈ જઈને તેના પર દુષ્કર્મ.
કોર્ટે અલગ-અલગ કેસોમાં સજા સંભળાવી: દુષ્કર્મના કેસમાં 9 વર્ષ, લંડનમાં મહિલાના જાતીય શોષણના કેસમાં 9 મહિના, ચોઇસ એફએમ સ્ટુડિયોમાં જાતીય શોષણના કેસમાં 18 મહિના અને 2009 સાથે જોડાયેલા એક કેસમાં 8 મહિનાની સજા. કુલ સજા 10 વર્ષ થાય છે.
નિર્દોષ ઠરાવાયેલા કેસોમાં 1999માં બોર્નમથમાં લેબર પાર્ટીના સંમેલન દરમિયાન એક હોટેલના રૂમમાં બીજી મહિલા સાથે દુષ્કર્મનો આરોપ અને લંડન સ્થિત એમટીવીની ઑફિસમાં એક મહિલાને પુરુષોના બાથરૂમમાં ખેંચી લઈ જવા અને તેના પર જાતીય હુમલો કરવાના પ્રયાસનો આરોપ સામેલ હતો.
સજા સંભળાવતી વખતે ન્યાયાધીશ જોએલ બેનેથને રસેલ બ્રાન્ડના વર્તન પર આકરી ટિપ્પણી કરી. તેમણે કહ્યું, "લગભગ 20 વર્ષ પહેલાં રસેલ બ્રાન્ડ પ્રસિદ્ધ થઈ રહ્યા હતા. તમે હોશિયાર હતા અને ઘણા લોકોની નજરમાં રમૂજી તથા કરિશ્માઈ હતા. તમે યૌન શિકારી પણ બની ચૂક્યા હતા."
કોર્ટમાં રસેલ બ્રાન્ડે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે મહિલાઓ સાથેના તેમના તમામ સંબંધો સંમતિથી બંધાયા હતા. સરકારી વકીલ રિયલ કર્મી-જોન્સે કોર્ટમાં જણાવ્યું કે બ્રાન્ડે મહિલાઓ સુધી પહોંચ મેળવવા માટે પોતાના સેલિબ્રિટી દરજ્જાનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું, "તેણે પોતાની પ્રસિદ્ધિનો લાભ લઈને મહિલાઓ સુધી એવી પહોંચ બનાવી, જેના વિના આ ગુનાઓ થઈ શક્યા ન હોત. આથી તેનો એ વિશ્વાસ પણ વધ્યો કે આવા ગુનાઓ કર્યા પછી પણ તે બચી શકે છે."
બચાવ પક્ષના વકીલ ઇયાન વિન્ટરે ન્યાયાધીશને રસેલ બ્રાન્ડના સારા ચારિત્ર્યને ધ્યાનમાં લેવા અપીલ કરી. તેમણે કહ્યું કે 1995માં મારિજુઆના રાખવાના કેસ સિવાય બ્રાન્ડનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. તેમણે એ પણ જણાવ્યું કે બ્રાન્ડે ચેરિટીનું કામ કર્યું છે અને ડ્રગ્સ તથા દારૂની લતમાંથી બહાર આવવામાં લોકોને મદદ કરી છે. બચાવ પક્ષે દુષ્કર્મના કેસને ઓછો ગંભીર દર્શાવવાનો પ્રયાસ કરતાં કહ્યું કે બ્રાન્ડને એવા વ્યક્તિ તરીકે જોવો જોઈએ, જે સંમતિથી બનેલા સંબંધ દરમિયાન ખૂબ આગળ વધી ગયો અને સંમતિની મર્યાદા પાર કરી ગયો.
સુનાવણી દરમિયાન રસેલ બ્રાન્ડની પત્ની લૉરા અને તેમના પિતા રોન બ્રાન્ડ કોર્ટમાં હાજર હતા. બ્રાન્ડ જામીન પર બહાર હતા, પરંતુ દોષિત ઠેરવાયા બાદ તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા. રસેલ બ્રાન્ડ પોપ સ્ટાર કેટી પેરીના પૂર્વ પતિ છે; તેમનું લગ્નજીવન બે વર્ષમાં તૂટી ગયું હતું.