ગાંધીનગર નજીક આવેલા રૂપાલ ગામમાં વરદાયિની માતાજીના મંદિરે નવરાત્રિની નોમની રાત્રિએ પરંપરાગત પલ્લીનો મેળો યોજાય છે. આ વર્ષે મેળો 19મી ઑક્ટોબરે છે અને તેમાં લગભગ 10 લાખ ભક્તો ઉમટવાનો અંદાજ છે. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્રે તૈયારીઓ પૂર્ણ કરી છે.
સોમવારે મધ્યરાત્રિએ માતાજીની આજ્ઞા બાદ પાંચ જ્યોતવાળી પલ્લી નીકળશે. આ પલ્લી પર 20 કરોડ રૂપિયાથી વધુના શુદ્ધ ઘીનો અભિષેક કરાશે.
ધાર્મિક માન્યતા મુજબ, રૂપાલમાં મહાભારત કાળથી પલ્લી નીકળે છે. હસ્તિનાપુરના યુદ્ધમાં વિજય પછી શ્રીકૃષ્ણએ પાંડવો સાથે અહીં સોનાની પલ્લી બનાવડાવી હતી અને ત્યારથી આ પરંપરા ચાલુ છે. મંદિરનો વહીવટ સરકાર હસ્તક છે. અગાઉ આ મેળામાં આઠ લાખ જેટલા ભક્તો આવતા હતા, તેથી કલેક્ટરે વિવિધ વિભાગો અને ટ્રસ્ટી મંડળ સાથે અગાઉથી બેઠકો યોજીને વ્યવસ્થા ગોઠવી છે.
આરોગ્ય વિભાગની ચાર મેડિકલ ટીમ 24 કલાક અલગ-અલગ સ્થળે તૈનાત રહેશે — એક ટીમ મંદિર ખાતે, એક પીએચસી સેન્ટર ખાતે અને બે ટીમ આંગણવાડી ખાતે. કોઈ દર્દીને હૉસ્પિટલ ખસેડવાની જરૂર પડે તો તે માટે ત્રણ 108 એમ્બ્યુલન્સ ગોઠવાઈ છે. ભક્તો ગામમાં જુદી-જુદી જગ્યાએથી પાણી પીતા હોય છે, તેથી પાણીનું ટેસ્ટિંગ શરૂ કરાયું છે. ગામની ચાર મુખ્ય પાણીની લાઇનમાં ક્લોરીનેશનની માત્રા તપાસાઈ રહી છે અને પાણીનું સુપર ક્લોરીનેશન કરીને જ વિતરણ કરવાની સૂચના આપવામાં આવી છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવા વહીવટી તંત્રએ કુલ 11 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની વિશેષ નિમણૂક કરી છે. પલ્લીના 24 મહત્ત્વના સ્થળો પર દેખરેખ માટે 24 અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. સુરક્ષા અને ટ્રાફિક માટે અંદાજે 500 પોલીસ જવાન અને 300 હોમગાર્ડ જવાન ફરજ બજાવશે. ગામને જોડતા માર્ગો ભારે વાહનો માટે બંધ કરાયા છે. શ્રદ્ધાળુઓની અવરજવર સરળ બને તે માટે અમદાવાદ એસ.ટી. ડેપો દ્વારા ખાસ વાહનોની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ગાંધીનગર, કલોલ અને માણસા ડેપો દ્વારા પણ આજે સાંજથી એક્સ્ટ્રા ટ્રિપ ચલાવાશે.
ખાનપાનની ગુણવત્તા ચકાસવા 9 ફૂડ સેફટી અધિકારીઓની ટીમ કાર્યરત છે. આકસ્મિક પરિસ્થિતિ માટે ફાયર સેફટીની 4 ટીમો અને વીજ પુરવઠો અખંડ રહે તે માટે ઉત્તર ગુજરાત વીજ કંપનીની 17 ટીમો તૈનાત છે. દાન સ્વીકાર કેન્દ્ર પર વ્યવસ્થા જાળવવા 19 કર્મચારીઓની ફાળવણી કરાઈ છે.