ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે આવેલા જગતજનની શ્રી વરદાયિની માતાજીના મંદિરે આ વર્ષે પણ પરંપરાગત પલ્લી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશમાંથી અંદાજે 10 લાખથી વધુ ભક્તો માતાજીના દર્શન અને આશીર્વાદ માટે રૂપાલ પહોંચ્યા છે.
મધ્યરાત્રિએ 12 વાગ્યા બાદ માતાજીની પરવાનગી લઈને પાંચ દિવ્ય જ્યોત ધરાવતી પલ્લી ગામના 27 નિશ્ચિત ચોકમાં ભ્રમણે નીકળી છે. આ ધાર્મિક યાત્રા દરમિયાન ભક્તો પલ્લી પર મોટા પ્રમાણમાં શુદ્ધ ઘીનો અભિષેક કરે છે. એટલે રૂપાલની ગલીઓ અને માર્ગો પર ઘી વહેતું દેખાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મંદિરે પૂજા-અર્ચના કરી હતી.
પલ્લી એટલે માતા માટે બનાવેલો લાકડાનો રથ, જેમાં ઘોડા નથી હોતા. પરંપરા મુજબ સૌપ્રથમ પાંડવોએ સોનાની પલ્લી બનાવી હોવાનું કહેવાય છે. બાદમાં પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાનાં લાકડાંમાંથી પલ્લી બનાવી હોવાની માન્યતા છે. આજે રૂપાલમાં પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીંજારા, ચાવડા, માળી અને કુંભાર સહિત અઢાર કોમના લોકો સાથે મળીને કામ કરે છે. એટલે આ પલ્લીને સર્વધર્મ સમભાવનું પ્રતીક ગણવામાં આવે છે.
પલ્લી બનાવવાની પ્રક્રિયા પણ પરંપરાથી ચાલે છે. ગામના વાલ્મીકિ સમાજના ભાઈઓ ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે અને તેમાંથી પલ્લીરથ ઘડીને તૈયાર કરે છે. ત્યારબાદ વાળંદ સમાજના ભાઈઓ વરખડાના સોટા લાવીને રથને ચારે બાજુ બાંધીને શણગારે છે. પછી માતાનો ગોખ અને માતાની છબિ પલ્લીવાળા વાસમાં લઈ જઈને મૂકવામાં આવે છે. એ જગ્યાને અબોટ કરીને ગંગાજળ, ગાયનાં છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકાય છે.
ત્યારબાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કુંડા પલ્લી ઉપર મૂકે છે, પિંજારા સમાજના લોકો કપાસ પૂરે છે, પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે અને માળી ભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે. આમ માતાનો પલ્લીરથ તૈયાર થાય છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે, જ્યારે ખીચડાનું નૈવેદ્ય ધરાવવાની છાબ વાલ્મીકિ સમાજના ભાઈઓ તૈયાર કરીને ચાવડા સમાજ પાસે પહોંચાડે છે. આમ ગામની અઢારે કોમના લોકો પોતાની શક્તિ મુજબ માતાની સેવામાં જોડાય છે.
પલ્લી સાથે ત્રણ દંતકથાઓ જોડાયેલી છે. દેવસ્થાન સંસ્થાના જણાવ્યા મુજબ ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામચંદ્રજીએ વનવાસ દરમિયાન શ્રી શૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ અને સીતામાતા સહિત શ્રી વરદાયિની માતાજીનાં દર્શન કરીને પૂજા કરી હતી. માતાજીએ પ્રસન્ન થઈને તેમને શક્તિ નામનું અમોઘ દિવ્ય અસ્ત્ર આપ્યું હોવાનું કહેવાય છે. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રીરામચંદ્રજીએ એ જ બાણથી રાવણનો વધ કર્યો હતો.
પાંડવકાળ અંગે કહેવાય છે કે રૂપાલ પંથકમાં જંગલ વચ્ચે ખીજડાના વૃક્ષ નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે આજના ધોળકાથી પરત ફરીને શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે તેમણે શસ્ત્રોની પૂજા કરીને પાંચ દીવાની જ્યોતવાળી પલ્લી બનાવીને માતાજી પાસે મૂકી હતી. ત્યારથી અહીં પલ્લીની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.
પલ્લીની પ્રથા એવી છે કે જેમની માનતા પૂરી થઈ હોય તેવા ભક્તો પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત જે ઘરે બાળકનો જન્મ થયો હોય તેવા પરિવારો પણ બાળકને પલ્લીનાં દર્શન કરાવવા માટે અહીં આવે છે. માતાઓ પલ્લીની સ્તુતિ-વંદના કરે છે, ગામની મહિલાઓ માથે ઘડુલિયાં લઈને ગરબા કરે છે અને યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. સૌપ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરવામાં આવે છે. પલ્લી મંદિરમાંથી નીકળીને ચોકમાં આવે એટલે તેના પર ઘી રેડવાનું શરૂ થાય છે. અહીં જ બાળકો પલ્લીમાં માથું ટેકવે છે.