સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગરમાં અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોની રિલાયન્સ મુલાકાત, ગીગા-ફેક્ટરી અને ડેટા સેન્ટર પર ચર્ચા

જામનગરમાં અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોની રિલાયન્સ મુલાકાત, ગીગા-ફેક્ટરી અને ડેટા સેન્ટર પર ચર્ચા

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે બુધવારે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશ્વની સૌથી મોટી રિફાઇનરીની મુલાકાત લીધી હતી. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી સાથે તેમની આ મુલાકાત હતી.

આ મુલાકાત દરમિયાન અમેરિકન પ્રતિનિધિમંડળને રિલાયન્સના વિશાળ રિફાઇનરી કોમ્પ્લેક્સનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો હતો. અંબાણી પરિવારે તેમને રિલાયન્સની નિર્માણાધીન અને તબક્કાવાર શરૂ થઈ રહેલી 'ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઝ' તેમજ ડેટા સેન્ટર્સના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સની વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, જામનગર કોમ્પ્લેક્સને માત્ર રિફાઇનિંગ પૂરતું સીમિત ન રાખતા ભવિષ્યમાં તેને ડીપ-ટેક, ઇનોવેશન અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગના ગ્લોબલ હબ તરીકે વિકસાવવાનું વિઝન પણ અમેરિકી પ્રતિનિધિમંડળ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

બંને પક્ષો વચ્ચે ગ્લોબલ એનર્જી માર્કેટની વર્તમાન સ્થિતિ અને પરંપરાગત તેમજ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રહેલી નવી વ્યાપારી તકો પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. ખાસ કરીને સસ્તી અને વિશ્વસનીય ઊર્જાનો પુરવઠો, ટેક્નોલોજીકલ અપગ્રેડેશન, મજબૂત ગ્લોબલ સપ્લાય ચેઇન અને ભવિષ્યની વૈશ્વિક માંગને પહોંચી વળવા જરૂરી જંગી રોકાણ જેવા મુદ્દાઓ આ બેઠકના કેન્દ્રમાં રહ્યા હતા.

ડિજિટલ ઇકોનોમીનો વ્યાપ સતત વધી રહ્યો છે, ત્યારે ડેટા સેન્ટર્સ માટે રાઉન્ડ-ધ-ક્લોક પાવર સપ્લાયની જરૂરિયાત અંગે પણ ગંભીર ચર્ચા થઈ હતી. મુકેશ અને અનંત અંબાણીએ ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગમાં અમેરિકન કંપનીઓ સાથે સંયુક્ત ભાગીદારી કરવાની તૈયારી દર્શાવી છે. અમેરિકન વિદેશ મંત્રીની આ મુલાકાત આગામી સમયમાં બંને દેશોની ઇન્ડસ્ટ્રીઓ વચ્ચે વ્યાપારી ભાગીદારીના નવા દ્વાર ખોલી શકે છે.

રિલાયન્સ મુજબ, જામનગર રિફાઇનરી એક જ સ્થળે બનેલી વિશ્વની સૌથી મોટી અને આધુનિક રિફાઇનરી છે. અહીં દરરોજ 14 લાખ બેરલ ક્રૂડ ઑઇલને પ્રોસેસ કરવાની ક્ષમતા છે.

મંગળવારે મુંબઈ પહોંચેલા રૂબિયોએ ભારતને 'રિફાઇનિંગ સુપરપાવર' ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતમાં વેનેઝુએલાના હેવી ક્રૂડ ઓઇલને રિફાઇન કરવાની મોટી ક્ષમતા છે. દુનિયામાં તેલ સંકટ ઘટાડવામાં ભારતીય રિફાઇનરીઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેલની સપ્લાયમાં આવી રહેલી કાયદાકીય અને પ્રતિબંધો સંબંધિત અડચણો દૂર કરવા માટે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે.

માર્કો રૂબિયોની મે મહિનામાં થયેલી અગાઉની મુલાકાત બાદ આ બીજી ભારત મુલાકાત છે. મે મહિનામાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત, તેમણે ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો.

છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત-અમેરિકાના સંબંધોમાં કડવાશ આવી છે. પછી ભલે તે રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100% ટેરિફ લગાવતો લિન્ડસે ગ્રેહામ ઍક્ટ પસાર કરવાનો મામલો હોય કે પછી ઇન્ફોસિસ, TCS, વિપ્રો અને HCL જેવી ભારતીય કંપનીઓના કર્મચારીઓને ગ્રીન કાર્ડમાં મળતી છૂટ સમાપ્ત કરવાનો નિર્ણય હોય. જોકે, રૂબિયોની ભારત મુલાકાત પહેલાં 16 ઑક્ટોબરે ટ્રમ્પે તેના પર અસ્થાયી રોક લગાવી દીધી અને કહ્યું કે તેનાથી અમેરિકાને ફાયદો થશે.

ભારતીય થિંકટૅન્ક 'ધ ઇમેજઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ'ના સિનિયર જિયોપૉલિટિકલ નિષ્ણાત રોબિન્દર સચદેવા માને છે કે રુબિયોનું ધ્યાન નવી દિલ્હીની પરંપરાગત રાજનીતિને બદલે મુંબઈ અને જામનગર જેવા વ્યાપારી કેન્દ્રો પર છે. તેનો હેતુ કોર્પોરેટ સોદા, રિફાઇનરી ક્ષેત્રમાં ભાગીદારી, રોકાણ અને બંને દેશો વચ્ચેના બિઝનેસ-ટુ-બિઝનેસ સંબંધોને વધારવાનો છે.

પૉલિટિકલ કૉલમનિસ્ટ પ્રતાપ ભાનુ મહેતા લખે છે કે રુબિયોનું દિલ્હી જવાને બદલે મુંબઈ-જામનગર જવું એ ભારત-અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોને મજબૂત કરવાનો સંકેત છે.