ભારતના 3 દિવસના પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ દિલ્હીમાં પાકિસ્તાન સાથેના સંબંધો અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો છે અને તેની ભૌગોલિક સ્થિતિને કારણે અમેરિકા તેની સાથેના રાજદ્વારી સંબંધો સંપૂર્ણપણે તોડી શકતું નથી.
રુબિયોએ જણાવ્યું કે, ‘હવે હું માત્ર સેનેટર નથી. વિદેશ મંત્રી તરીકે મારે સમગ્ર અમેરિકાની વિદેશ નીતિ સંભાળવાની છે. આ માટે અમારે એવા દેશો સાથે પણ સંબંધો જાળવવા પડે છે જેની સાથે અમારા ગંભીર મતભેદો હોય. પાકિસ્તાન એક એવો દેશ છે જેની પાસે પરમાણુ હથિયારો છે અને ભૌગોલિક દૃષ્ટિએ પણ તેની સાથે સંવાદ જાળવી રાખવો અમારી જરૂરિયાત છે.’ તેમણે આ વલણની સરખામણી ભારતના ઈરાન સાથેના સંબંધો સાથે કરતાં કહ્યું કે, દરેક દેશે પોતાના હિતો માટે મતભેદ ધરાવતા દેશો સાથે પણ વાત કરવી પડે છે.
અમેરિકી વિદેશ મંત્રીએ ભારતને ખાતરી આપી કે અમેરિકા આતંકવાદ અને તેને આશ્રય આપનારા દેશોની સખત વિરુદ્ધ છે. તેમણે કહ્યું, ‘અમેરિકાના પાકિસ્તાન સાથે સીધા સંપર્ક રહેવાથી ભારતની સુરક્ષા સંબંધિત સમસ્યાઓ સીધી રીતે રજૂ કરવાની તક મળે છે. અમે દુનિયામાં કોઈપણ જગ્યાએ થતા આતંકવાદની વિરુદ્ધ છીએ. જે કોઈ દેશ આતંકવાદને પ્રોત્સાહન આપે છે અમે તેનો વિરોધ કરીએ છીએ. આ વલણમાં અમેરિકા તરફથી કોઈ નરમાઈ આવી નથી. જો અમારા પાકિસ્તાન સાથે સંબંધો ચાલુ રહેશે અને અમે તેમની સાથે સીધી વાત કરી શકીશું, તો અમે એવી સ્થિતિમાં હોઈશું કે ભારતને જે બાબતો અંગે ચિંતા છે, જેમ કે આતંકવાદ અને સરહદ પારની ઘૂસણખોરી, તેને રોકવા માટે પાકિસ્તાન પર દબાણ બનાવી શકીએ.’
વિદેશ મંત્રીના આ વલણથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા એક તરફ ભારત સાથેની પોતાની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરી રહ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં પરમાણુ સુરક્ષા અને આતંકવાદ પર નિયંત્રણ રાખવા માટે સંતુલન સાધી રહ્યું છે. રુબિયોના જણાવ્યા અનુસાર ઈસ્લામાબાદ સાથેનો અમેરિકાનો સંપર્ક માત્ર વૈશ્વિક વિદેશ નીતિની મજબૂરી છે, પાકિસ્તાનની આતંકવાદ-સમર્થક નીતિઓને કોઈ પણ પ્રકારનું સમર્થન નથી.