વોશિંગ્ટન: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ ભારતને અમેરિકાનો મહત્વપૂર્ણ સહયોગી દેશ ગણાવ્યો છે અને કહ્યું છે કે ભારત પર ટેરિફ લગાવતા પહેલા અમેરિકાએ ઘણી બાબતો ધ્યાનમાં લેવી પડશે. તેમણે આ નિવેદન ભારતની મુલાકાત પહેલા આપ્યું છે. આ સપ્તાહમાં અમેરિકાના વિદેશમંત્રી ભારત આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ રશિયા પાસેથી ઓઇલ ખરીદનારા પાંચ સૌથી મોટા દેશોના અમેરિકા આવતા સામાન પર ૧૦૦ ટકા ટેરિફ લગાવવાનો કાયદો પસાર કર્યો હતો. આ પાંચ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જોકે બાદમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલ પુરતો આ નિર્ણય ટાળી દીધો હતો. હવે વિદેશમંત્રી રુબિયોના ભારત વિશેના વખાણના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે ભારત મુદ્દે અમેરિકા હાલ નરમ વલણ અપનાવી રહ્યું છે.
માર્કો રુબિયોએ કહ્યું કે ભારત પર ટેરિફ અથવા પ્રતિબંધ લગાવતા પહેલા વિશ્વભરમાં તેની શું અસર થશે તે પણ ધ્યાનમાં લેવું પડશે. તેમણે કહ્યું કે ભારત માટે રાતોરાત રશિયન ઓઇલથી દૂર થવું મુશ્કેલ છે. અમેરિકાએ રશિયન ઓઇલ ખરીદવા બદલ ભારત પર ટેરિફ કેમ નથી લગાવ્યા તેવા સવાલના જવાબમાં તેમણે આ વાત કહી. તેમણે ઉમેર્યું કે ભારત અમેરિકાનો મહત્વપૂર્ણ સહયોગી દેશ છે અને ટેરિફ લગાવતા પહેલા ભારતની ઊર્જા અને ફ્યુઅલની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવી પડશે.
નોંધનીય છે કે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી રુબિયો વચ્ચે ૨૦મી તારીખે બેઠક યોજાવાની શક્યતાઓ છે.