સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયો આજે જામનગરમાં, મુકેશ અંબાણી સાથે વેનેઝુએલાના તેલ અને ટેક્સાસ રિફાઇનરી પર ચર્ચા

અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયો આજે જામનગરમાં, મુકેશ અંબાણી સાથે વેનેઝુએલાના તેલ અને ટેક્સાસ રિફાઇનરી પર ચર્ચા

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો આજે જામનગરમાં દુનિયાના સૌથી મોટા રિફાઇનરી કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે મુલાકાત કરશે. રુબિયો રિલાયન્સ સાથે વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ રિફાઇન કરવા અંગે ચર્ચા કરશે.

મીડિયા અહેવાલો અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકાના ટેક્સાસમાં એક ઓઇલ રિફાઇનરીમાં મોટું રોકાણ કરવાની તૈયારીમાં છે, જે 50 વર્ષમાં અમેરિકામાં બનનારી પ્રથમ રિફાઇનરી હશે. આ જ કારણે આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

રુબિયોની જામનગર મુલાકાત 3 કારણોથી મહત્ત્વપૂર્ણ…

1. અમેરિકામાં ડીઝલના ભાવ 155 રૂપિયા પ્રતિ લિટરને પાર

અમેરિકામાં ડીઝલના ભાવ 6 ડૉલર પ્રતિ ગૅલનથી વધુ છે, એટલે કે આશરે 155 રૂપિયા પ્રતિ લિટર. તેના કારણે ટ્રક ડ્રાઇવર, ખેડૂતો અને માલ પરિવહન વ્યાવસાયિકો પરેશાન છે.

ટ્રમ્પ સરકાર ઇચ્છે છે કે 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણી પહેલાં અમેરિકામાં પૂરતો ડીઝલ પુરવઠો ઉપલબ્ધ રહે. તેથી અમેરિકા રશિયા પાસેથી ડીઝલ ખરીદી રહ્યું છે.

રિલાયન્સ પણ સસ્તા ભાવે કાચા તેલને રિફાઇન કરીને અમેરિકાને પેટ્રોલ-ડીઝલ વેચી શકે છે, જેથી અમેરિકા ઇંધણ સંકટથી બચી શકે.

2. રિલાયન્સ વેનેઝુએલાથી વધુ તેલ ખરીદે

જાન્યુઆરીમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કર્યા બાદથી અમેરિકન સરકાર જ વિદેશોમાં વેનેઝુએલાનું તેલ વેચી રહી છે.

રિલાયન્સ વેનેઝુએલાના સૌથી મોટા તેલ ખરીદદારોમાંની એક છે. ગ્લોબલ ટ્રેડ ઇન્ટેલિજન્સ ફર્મ Kpler મુજબ, સપ્ટેમ્બરમાં ભારતે વેનેઝુએલાથી દરરોજ 2.57 લાખ બેરલ તેલ આયાત કર્યું. તેનો 76% હિસ્સો રિલાયન્સે ખરીદ્યો.

અમેરિકા ઇચ્છે છે કે રિલાયન્સ વેનેઝુએલાથી વધુ તેલ ખરીદે. કારણ કે અમેરિકા ઘણી વખત કહી ચૂક્યું છે કે ભારતે વેનેઝુએલાથી તેલ ખરીદવું જોઈએ. જોકે સરકારી તેલ કંપનીઓએ આવું કર્યું નથી.

3. અમેરિકામાં રિલાયન્સનું 300 અબજ ડૉલરનું રોકાણ

રિલાયન્સ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક નવી રિફાઇનરી ખોલી રહી છે, જે 50 વર્ષમાં અમેરિકામાં બનનારી પહેલી રિફાઇનરી હશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માર્ચ 2026માં તેને 300 અબજ ડૉલરનો સોદો ગણાવ્યો હતો. અમેરિકા ઈચ્છે છે કે આ રોકાણ શક્ય તેટલું વહેલું થાય.

વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે જામનગર

રિલાયન્સ મુજબ, જામનગર રિફાઇનરી એક જ સ્થળે બનેલી વિશ્વની સૌથી મોટી અને આધુનિક રિફાઇનરી છે. અહીં દરરોજ 14 લાખ બેરલ ક્રૂડ ઑઇલને પ્રોસેસ કરવાની ક્ષમતા છે.

રૂબિયોએ કહ્યું- ભારત રિફાઇનિંગ સુપરપાવર

મંગળવારે મુંબઈ પહોંચેલા રૂબિયોએ ભારતને 'રિફાઇનિંગ સુપરપાવર' ગણાવ્યું. તેમણે કહ્યું, 'ભારતમાં વેનેઝુએલાના હેવી ક્રૂડ ઓઇલને રિફાઇન કરવાની મોટી ક્ષમતા છે. દુનિયામાં તેલ સંકટ ઘટાડવામાં ભારતીય રિફાઇનરીઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેલની સપ્લાયમાં આવી રહેલી કાયદાકીય અને પ્રતિબંધો સંબંધિત અડચણો દૂર કરવા માટે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે.'

માર્કો રુબિયોએ મંગળવારે મુંબઈમાં વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી.

મે બાદ રૂબિયોની બીજી ભારત મુલાકાત

માર્કો રૂબિયોની મે મહિનામાં થયેલી અગાઉની મુલાકાત બાદ આ બીજી ભારત મુલાકાત છે. મે મહિનામાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત, તેમણે ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો.

મે મહિનામાં રૂબિયો પત્ની જીનેટ સાથે આગ્રાના તાજમહેલની મુલાકાતે ગયા હતા.

શું રૂબિયોની મુલાકાતથી ભારત-અમેરિકાના સંબંધો ફરી પાટા પર આવશે?

છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત-અમેરિકાના સંબંધોમાં કડવાશ આવી છે. પછી ભલે તે રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100% ટેરિફ લગાવતો લિન્ડસે ગ્રેહામ ઍક્ટ પસાર કરવાનો મામલો હોય કે પછી ઇન્ફોસિસ, TCS, વિપ્રો અને HCL જેવી ભારતીય કંપનીઓના કર્મચારીઓને ગ્રીન કાર્ડમાં મળતી છૂટ સમાપ્ત કરવાનો નિર્ણય હોય.

જોકે, રૂબિયોની ભારત મુલાકાત પહેલાં 16 ઑક્ટોબરે ટ્રમ્પે તેના પર અસ્થાયી રોક લગાવી દીધી અને કહ્યું કે તેનાથી અમેરિકાને ફાયદો થશે.

ભારતીય થિંકટૅન્ક 'ધ ઇમેજઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ'ના સિનિયર જિયોપૉલિટિકલ નિષ્ણાત રોબિન્દર સચદેવા માને છે કે રુબિયોનું ધ્યાન નવી દિલ્હીની પરંપરાગત રાજનીતિને બદલે મુંબઈ અને જામનગર જેવા વ્યાપારી કેન્દ્રો પર છે. તેનો હેતુ કોર્પોરેટ સોદા, રિફાઇનરી ક્ષેત્રમાં ભાગીદારી, રોકાણ અને બંને દેશો વચ્ચેના બિઝનેસ-ટુ-બિઝનેસ સંબંધોને વધારવાનો છે.

પૉલિટિકલ કૉલમનિસ્ટ પ્રતાપ ભાનુ મહેતા લખે છે કે રુબિયોનું દિલ્હી જવાને બદલે મુંબઈ-જામનગર જવું એ સંકેત હોઈ શકે છે કે અમેરિકા ભારત સાથેના સંબંધોમાં વ્યાપાર અને રોકાણને વધુ મહત્ત્વ આપી રહ્યું છે.