સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતી ફિલ્મ 'રફ એન્ડ ટફ કન્યા'નું ટ્રેલર રિલીઝ: પિતા દીકરી બનીને બોયફ્રેન્ડની પરીક્ષા લેશે

ગુજરાતી ફિલ્મ 'રફ એન્ડ ટફ કન્યા'નું ટ્રેલર રિલીઝ: પિતા દીકરી બનીને બોયફ્રેન્ડની પરીક્ષા લેશે

ગુજરાતી ફિલ્મ 'રફ એન્ડ ટફ કન્યા'નું ટ્રેલર રિલીઝ થયું છે. આ રોમ-કોમ ફિલ્મમાં એક પિતા પોતાની દીકરીના લગ્ન પહેલાં તેના બોયફ્રેન્ડના ઘરે જઈને દીકરી બનીને રહે છે અને બોયફ્રેન્ડ તથા તેના પરિવારની પરીક્ષા લે છે.

ટ્રેલરમાં હિતેન કુમાર દીકરી છવી (યુક્તિ રાંદેરિયા)ના પિતા છે. છવી તેના બોયફ્રેન્ડ રાજવીર (રવિ ગોહિલ) સાથે લગ્ન કરવા માંગે છે. રાજવીરને 'વસ્ત્રાપુરનો ખલી' કહેવામાં આવે છે. તે ગંદકી, ઓસીડી અને ગુસ્સાથી પરેશાન રહે છે. છવીના પિતા દીકરીને આવા પરિવારમાં મોકલવા ખચકાટ અનુભવે છે. તેથી તેઓ શરત મૂકે છે કે, 'હું તારા ઘરે 30 દિવસ સુધી છવી બનીને રહીશ. જો તેં કે તારા પરિવારે ગુસ્સો કર્યો, તો હું લગ્નને મંજૂરી નહીં આપું.'

ટ્રેલરમાં સર્વદામિની (નીલમ પંચાલ)ની એન્ટ્રી થાય છે, જેને ખોટું અને ખરાબ ગુજરાતી બોલનારાઓ પર ગુસ્સો આવે છે. તેમના પતિ વિદ્યુત (અનુરાગ પ્રપન્ન) શાંત સ્વભાવના છે. આ ઉપરાંત ફિલ્મમાં રાગી જાની, સોનાલી લેલે દેસાઈ અને ફિરોઝ ઇરાની પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

બિરલા સ્ટુડિયોઝ પ્રસ્તુત અને બિગ બોક્સ સિરીઝના પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન યશ વૈષ્ણવે કર્યું છે. ફિલ્મ 20 નવેમ્બર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મથી બિઝનેસવુમન અનન્યા બિરલા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં નિર્માતા તરીકે નવી શરૂઆત કરી રહ્યા છે.