સત્ય. સાહસ. સંકલ્પ.

રૂમમેટ્સનો અનોખો મેળ: એક જ રસોડામાં ત્રણ ગેસ સિલિન્ડર, ત્રણ ચૂલા અને અલગ વાસણ

રૂમમેટ્સનો અનોખો મેળ: એક જ રસોડામાં ત્રણ ગેસ સિલિન્ડર, ત્રણ ચૂલા અને અલગ વાસણ

રૂમમેટ્સ સાથે રહેવાનો અર્થ સામાન્ય રીતે એ જ થાય છે કે, ઘરની ઘણી વસ્તુઓ સાથે મળીને ઉપયોગ કરવામાં આવે. એક જ રસોડું હોય, સામાન વહેંચાયેલો હોય અને જરૂર પડ્યે એકબીજાની વસ્તુઓ કામ આવી જાય. જો કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં આનાથી બિલકુલ વિપરીત દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક જ ફ્લેટમાં રહેતી ત્રણ છોકરીઓએ પોતાના રસોડાનો સામાન પૂરી રીતે અલગ-અલગ રાખેલો છે. એક જ ઘરમાં રહેવા છતાં પણ કોઈની વસ્તુ બીજી છોકરી ઉપયોગ નથી કરતી.

વીડિયોમાં એક રસોડાનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે પરંતુ જેવો જ કેમેરો રસોડામાં રાખેલા સામાન તરફ જાય છે, સમગ્ર મામલો મજેદાર બની જાય છે. રસોડામાં ત્રણ અલગ-અલગ ગેસ સિલિન્ડર અને ત્રણ ચૂલા નજરે પડે છે. એટલું જ નહીં, વાસણ પણ અલગ-અલગ રાખવામાં આવ્યા છે.

આ વીડિયોને ધ ફોરગોટન 'મૅન' નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે, જેમાં તેણે લખ્યું છે, 'છોકરાઓને શીખવવામાં આવ્યું હતું કે વહેંચણી એ જ સેવા છે, પણ છોકરીઓ કહે છે, આ મારો ગેસ સિલિન્ડર છે, આ મારો ચૂલો છે, આ મારા વાસણ છે, અને મારા વાસણને અડતા નહીં.' આ પોસ્ટને ઘણા લોકોએ પસંદ કરી છે અને તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.