સત્ય. સાહસ. સંકલ્પ.

છોટા ઉદેપુર: રોજકુવા ડેરીમાં બોનસ વિવાદ, પશુપાલકોનો વિરોધ અને તાળાબંધી

છોટા ઉદેપુર: રોજકુવા ડેરીમાં બોનસ વિવાદ, પશુપાલકોનો વિરોધ અને તાળાબંધી

છોટા ઉદેપુર જિલ્લાના રોજકુવા ગામે આવેલી દૂધ ડેરીમાં બોનસ વિતરણને લઈને વિવાદ સર્જાયો છે. ડેરી સંચાલકોએ આ વખતે માત્ર 7 ટકા બોનસ જાહેર કરતાં પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આસપાસની દૂધ ડેરીઓમાં 15 ટકાથી વધુ બોનસ આપવામાં આવી રહ્યું હોવા છતાં રોજકુવા ડેરીમાં ઓછું બોનસ મળતાં ગ્રામજનોએ ડેરીને તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતો.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, દિવાળીના પાંચ દિવસ પહેલાં બોનસ ચૂકવવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે બોનસના વિતરણમાં ભારે વિલંબ કરવામાં આવ્યો છે. વધુમાં, ડેરી સંચાલકોએ દૂધ ઉત્પાદકો સાથે કોઈ બેઠક કે પરામર્શ કર્યા વગર એકતરફી રીતે બોનસનું વિતરણ કરી દીધાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

પશુપાલકોનો આક્ષેપ છે કે ડેરીના વહીવટ પર એક જ પરિવારના સભ્યોનું વર્ચસ્વ છે અને તેઓ મનમાની ચલાવી રહ્યા છે. આ અસંતોષને કારણે ગ્રામજનો અને પશુપાલકોએ ડેરી સામે વિરોધ પ્રદર્શન કરીને ડેરીને તાળાબંધી કરી દીધી હતી. તેમની માંગ છે કે ડેરીનો વહીવટ સંભાળતા આ પરિવારને હટાવીને નવા પ્રમુખ, મંત્રી અને પારદર્શક વહીવટી સમિતિની નિમણૂક કરવામાં આવે, તેમજ બોનસની રકમ અંગે સ્પષ્ટતા કરવામાં આવે.

તહેવારોની સિઝનમાં જ દૂધ ઉત્પાદકોને ન્યાય ન મળતાં શરૂ થયેલો આ વિવાદ સ્થાનિક સહકારી ક્ષેત્રે ગરમાવો લાવ્યો છે. હવે આગામી સમયમાં સંચાલકો આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.