સત્ય. સાહસ. સંકલ્પ.

રોહિત શર્માની ખરાબ ફોર્મ: ન્યૂઝીલેન્ડ સામે સિરીઝમાં માત્ર 30 રન, ઓપનર તરીકે કરિયરનો સૌથી ખરાબ દેખાવ

રોહિત શર્માની ખરાબ ફોર્મ: ન્યૂઝીલેન્ડ સામે સિરીઝમાં માત્ર 30 રન, ઓપનર તરીકે કરિયરનો સૌથી ખરાબ દેખાવ

ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની વનડે સિરીઝમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. સિરીઝની નિર્ણાયક મેચમાં પણ તે મોટી ઇનિંગ રમી શક્યો નહીં.

રોહિતે ચાર મેચમાં બેટિંગ કરવા ઉતર્યો હતો. પહેલી અને ચોથી મેચમાં તે શૂન્ય પર આઉટ થયો હતો, જ્યારે બીજી મેચમાં 23 અને પાંચમી મેચમાં 7 રન બનાવ્યા હતા. આમ, સમગ્ર સિરીઝમાં તે માત્ર 30 રન જ કરી શક્યો હતો. તેની બેટિંગ સરેરાશ 7.50 રહી હતી. ઓપનર તરીકે કોઈ એક વનડે સિરીઝમાં આ તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન છે.

પાંચમી મેચમાં રોહિત ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેથ્યુ ફિશરના બોલ પર આઉટ થયો હતો. ફિશરે લગભગ 146 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓફ સ્ટમ્પની આસપાસ ગુડ લેન્થ બોલ ફેંક્યો હતો. રોહિતે આ બોલને ફ્લિક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટ સાથે યોગ્ય રીતે કનેક્ટ થયો નહીં અને શોર્ટ મિડવિકેટ પર ફીલ્ડિંગ કરી રહેલા ડીન ફોક્સક્રોફ્ટના હાથમાં સીધો કેચ ગયો. આ રીતે રોહિત માત્ર 7 રન કરી શક્યો હતો.

રોહિતની ખરાબ ફોર્મની અસર ભારતીય ટીમની બેટિંગની શરૂઆત પર પણ જોવા મળી હતી. આખી સિરીઝ દરમિયાન ભારતીય ઓપનિંગ જોડી એક પણ વખત 50 રનની ભાગીદારી કરી શકી નહોતી. ચાર કે તેથી વધુ મેચની વનડે સિરીઝમાં ભારતીય ઓપનર્સ એક પણ અડધી સદીની ભાગીદારી નોંધાવી શક્યા ન હોય તેવો સંયોગ લગભગ આઠ વર્ષ બાદ બન્યો છે. આ પહેલાં 2017-18માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ભારતીય ઓપનિંગ જોડીએ છ ઇનિંગમાં એકપણ વખત 50 રનની ભાગીદારી કરી નહોતી.