સત્ય. સાહસ. સંકલ્પ.

રોહિત શર્માનો ખુલાસો: ટેસ્ટ મેચ દરમિયાન ઊંઘ નહોતી આવતી, મમ્મીના હાથની કેળાની વેફર્સ ખાતો હતો

રોહિત શર્માનો ખુલાસો: ટેસ્ટ મેચ દરમિયાન ઊંઘ નહોતી આવતી, મમ્મીના હાથની કેળાની વેફર્સ ખાતો હતો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ તેમની ટેસ્ટ ક્રિકેટની કારકિર્દી સાથે જોડાયેલી કેટલીક અંગત વાતો શેર કરી છે. તેમણે કહ્યું કે ટેસ્ટ મેચ દરમિયાન તેમને નર્વસનેસના કારણે રાત્રે ઊંઘ આવતી નહોતી. એટલું જ નહીં, મોડી રાત્રે ભૂખ લાગે ત્યારે તેઓ તેમની માતાના હાથથી બનેલી કેળાની વેફર્સ ખાતા હતા.

રોહિતે આ વાત સોની ટીવીના તેમના નવા શો 'ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા'માં કહી. આ શોમાં તેમના મિત્ર અને IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ અભિષેક નાયરે પણ હાજરી આપી હતી. જ્યારે અભિષેકે રોહિતને IPL ટીમ બદલવા અંગે પૂછ્યું, ત્યારે રોહિતે સ્પષ્ટ જવાબ આપ્યો—હંમેશાં મુંબઈ.

રોહિતે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ તેમનું મનપસંદ ફોર્મેટ રહ્યું છે, પરંતુ તેમાં રમવાનું દબાણ પણ ઘણું રહેતું હતું. તેમણે કહ્યું, 'હું જૂઠું નહીં બોલું, જ્યારે પણ હું ટેસ્ટ મેચ રમતો હતો, ત્યારે અંદરથી ઘણી નર્વસનેસ રહેતી હતી. મને ટેસ્ટ મેચ રમવાનું પસંદ હતું.'

રોહિતે 2013થી 2024 વચ્ચે ભારત માટે 67 ટેસ્ટ મેચ રમી છે. તેમણે 12 સદી અને 18 અર્ધસદીની મદદથી 4,301 રન બનાવ્યા છે. આ દરમિયાન એક ઇનિંગ્સમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 212 રન રહ્યો છે.