સત્ય. સાહસ. સંકલ્પ.

રોહિત શર્માનો ખુલાસો: વિરાટ અને મેં 2024 T20 વર્લ્ડ કપ પહેલા જ નિવૃત્તિ નક્કી કરી હતી

રોહિત શર્માનો ખુલાસો: વિરાટ અને મેં 2024 T20 વર્લ્ડ કપ પહેલા જ નિવૃત્તિ નક્કી કરી હતી

2024નો T20 વર્લ્ડ કપ ભારત માટે યાદગાર રહ્યો. ભારતે 11 વર્ષ પછી ICC ટ્રોફી જીતી. ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચેની એક ભાવનાત્મક ક્ષણ વાયરલ થઈ હતી, જેમાં બંને ડ્રેસિંગ રૂમની સીડી પર એકબીજાને ભેટી પડ્યા હતા. આ ક્ષણ આજે પણ ચાહકોને યાદ છે.

આ અંગે બોલતા રોહિત શર્માએ હવે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, વિરાટ કોહલી અને તેમણે પહેલાથી જ નિવૃત્તિની યોજના બનાવી લીધી હતી.

સોની ટીવીએ રોહિત શર્માના ટીવી શોમાંથી એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે 2024 વર્લ્ડ કપ જીત્યા પછી વિરાટ કોહલી સાથેની ભાવનાત્મક ક્ષણ વિશે વાત કરી છે. તેમણે કહ્યું, “2015થી 2024 સુધી અમે બંને વર્લ્ડ કપનો પીછો કરી રહ્યા હતા. અમે ઘણી વખત ખૂબ નજીક આવ્યા હતા, પણ ક્યારેય જીતી શક્યા નહીં. અમે 2015, 2019 અને પછી 2023માં જીતની નજીક પહોંચ્યા. હું તે યાદ પણ રાખવા માંગતો નથી. હું 19 નવેમ્બર ભૂલી જવા માંગુ છું. છ મહિના પછી મને ખબર હતી કે 2024નો T20 વર્લ્ડ કપ મારો છેલ્લો હશે.”

રોહિત શર્માએ ખુલાસો કર્યો કે તેમણે અને વિરાટ કોહલીએ પહેલેથી જ નિવૃત્તિની યોજના બનાવી લીધી હતી, અને જીત કે હાર તેમનો નિર્ણય બદલતી નથી. તેમણે કહ્યું, “વિરાટ કોહલી અને મેં ચર્ચા કરી હતી કે અમે બંને આ પછી T20Iમાંથી નિવૃત્તિ લઈશું. તેથી જ અમે બંને અમારી લાગણીઓને કાબૂમાં રાખી શક્યા નહીં, કારણ કે અમે ખૂબ મહેનત કરી હતી અને વર્ષોથી વર્લ્ડ કપનો પીછો કરી રહ્યા હતા. અમે આખરે જીતી ગયા.”

બીજી બાજુ, વિરાટ કોહલીએ વનડે વર્લ્ડ કપમાં નિવૃત્તિ અંગે મોટી વાત કહી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 27 સપ્ટેમ્બરથી શરૂ થતી 3 મેચની વનડે સીરિઝ પહેલા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભવિષ્યને લઈ મોટું નિવેદન આપ્યું છે. કેરળમાં ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહેલા 37 વર્ષના વિરાટ કોહલીએ તમામ અટકળો પર બ્રેક લગાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ સાઉથ આફ્રિકામાં રમાનાર 2027 વનડે વર્લ્ડ કપમાં રમશે. આ ભારત માટે તેમનો છેલ્લો વર્લ્ડ કપ હશે.

જિયો હોટસ્ટાર સાથે વાતચીત કરતા વિરાટ કોહલીએ 2027 વનડે વર્લ્ડ કપને લઈ ચોખ્ખી વાત કરી છે. તેમણે કહ્યું, “મારા માટે આ ભારત માટે રમાનાર છેલ્લો વર્લ્ડ કપ હશે. આજ મારી સૌથી મોટી પ્રેરણા છે. હું મેદાન પર મારો જીવ રેડી દઉં છું. અમારું લક્ષ્ય વર્લ્ડ કપ જીતવાનું છે. એટલા માટે જે પણ ત્યાગ અથવા મહેનત કરવાની હશે, તેના માટે હું સંપૂર્ણ રીતે તૈયાર છું.”

વર્લ્ડ કપ પર ઉઠી રહેલા સવાલો વચ્ચે વિરાટ કોહલીનું બેટ જવાબ આપી રહ્યું છે. વર્ષ 2026માં વિરાટ કોહલીએ અત્યારસુધી 6 વનડે મેચમાં 384 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 3 અડધી સદી સામેલ છે. છેલ્લા 10 વનડે મેચની વાત કરીએ તો, તેમણે 3 સદી અને 5 અડધી સદી ફટકારી છે. 37 વર્ષની ઉંમરમાં પણ તેઓ પોતાની ફિટનેસ અને રમત પર ધ્યાન આપે છે.

આ દરમિયાન વિરાટ કોહલીએ શુભમન ગિલની કેપ્ટનશીપને લઈ ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે ગિલમાં ટીમને યોગ્ય દિશામાં લઈ જવાનો જુસ્સો છે.