સત્ય. સાહસ. સંકલ્પ.

રોહિત શર્માના ટી-શર્ટ પર 'નોન-કમિટેલ' લખાણ, BCCI અને અગરકર પર નિશાનાની ચર્ચા

રોહિત શર્માના ટી-શર્ટ પર 'નોન-કમિટેલ' લખાણ, BCCI અને અગરકર પર નિશાનાની ચર્ચા

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. પરંતુ આ વખતે કારણ તેમની બેટિંગ નથી, પરંતુ તેમણે પહેરેલી સફેદ ટી-શર્ટ છે. ટી-શર્ટ પર 'નોન-કમિટેલ' (Non-Committal) શબ્દ લખેલો જોવા મળ્યો હતો.

રોહિત શર્મા 19 સપ્ટેમ્બરે પ્રસારિત થનારા મનોરંજન શો 'ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા'નું હોસ્ટિંગ કરશે. આ શોના પ્રોમો શૂટ દરમિયાન રોહિતે કેમેરા સામે કહ્યું, 'અરે દોસ્ત, તું મને કેટલું રિહર્સલ કરાવશે? પણ હું 19 સપ્ટેમ્બરે આવી રહ્યો છું.' જોકે ચાહકોનું ધ્યાન તેમના સંવાદ કરતાં તેમની ટી-શર્ટ પર વધુ રહ્યું.

સપ્ટેમ્બર 2025માં મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ટીમ ઈન્ડિયાના ભવિષ્યના રોડમેપ અંગે જણાવ્યું હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027 ODI વર્લ્ડ કપ અંગે 'અનિશ્ચિત' (non-committal) છે. આ નિવેદનથી તે સમયે ઘણી ચર્ચા થઈ હતી. શુભમન ગિલને ભારતના નવા ODI કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

હવે ચાહકો રોહિતની ટી-શર્ટ પરના 'નોન-કમિટેલ' શબ્દને અગરકરના તે જૂના નિવેદન સાથે જોડીને ચર્ચા કરી રહ્યા છે. કેટલાક માને છે કે રોહિતે એક પણ શબ્દ બોલ્યા વિના BCCI અને પસંદગીકાર સમિતિ પર નિશાન સાધ્યું છે. જોકે આ અંગે રોહિત શર્મા, BCCI કે અજીત અગરકર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે રોહિત અને વિરાટે અગાઉ 2027 ODI વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ટી-શર્ટનું આ લખાણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચાહકોમાં નવી ચર્ચા જન્મી છે, પરંતુ તેના સાચા અર્થ અંગે કોઈ અધિકૃત માહિતી નથી.