રોહિત શર્માના નવા ટીવી શો 'ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા'માં એક મજેદાર ક્ષણ જોવા મળી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ શોમાં રોહિતના મિત્ર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના હેડ કોચ અભિષેક નાયરે હાજરી આપી હતી.
કાર્યક્રમમાં રોહિત શર્માએ પીળા રંગના કપડાં પહેર્યા હતા. આ અંગે નાયરે મજાક કરતાં પૂછ્યું કે શું પીળા રંગના કપડાં પહેરીને તે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં જવાના સંકેત આપી રહ્યો છે? ત્યારબાદ નાયરે KKRનો એંગલ પણ જોડ્યો અને કહ્યું કે પર્પલ રંગના કપડાં પણ રોહિત પર ખૂબ સારા લાગશે અને તેને KKRમાં આવવાની ઓફર કરી.
આ સાંભળીને કાર્યક્રમમાં હાજર પ્રેક્ષકોએ જોરજોરથી 'મુંબઈ, મુંબઈ'ના નારા લગાવ્યા. આ નારા સાંભળીને રોહિત શર્માએ 'ફોરેવર' કહીને પ્રતિક્રિયા આપી. રોહિતની આ પ્રતિક્રિયા પરથી મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો ખુશ થઈ ગયા છે અને તેની મુંબઈ ઈન્ડિયન્સ સાથેની જોડાણને લઈને ચર્ચા શરૂ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલો છે અને તેની IPLમાં રહેવાની ચર્ચાઓ વારંવાર થતી રહે છે. આ ઘટના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જ રહેશે.