સત્ય. સાહસ. સંકલ્પ.

બ્રેકિંગ બેડ ફેમ આરજે મિટેનું 34 વર્ષની વયે આત્મહત્યાથી અવસાન

બ્રેકિંગ બેડ ફેમ આરજે મિટેનું 34 વર્ષની વયે આત્મહત્યાથી અવસાન

અમેરિકન ટીવી શ્રેણી 'બ્રેકિંગ બેડ'માં વૉલ્ટર વ્હાઇટ જુનિયરની ભૂમિકા ભજવનાર અભિનેતા આરજે મિટેનું 34 વર્ષની વયે અવસાન થયું છે. મનોરંજન સમાચાર વેબસાઇટ TMZ અનુસાર, તેમણે સોમવારે ટેક્સાસમાં આત્મહત્યા કરી.

મિટેને 14 વર્ષની વયે 'બ્રેકિંગ બેડ'ના પાયલોટ એપિસોડમાં કામ કર્યું હતું અને શ્રેણીના 56 એપિસોડમાં વૉલ્ટર વ્હાઇટ જુનિયરનું પાત્ર ભજવ્યું હતું.

મિટેને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી હતી, જેના કારણે ચાલવા-ફરવામાં અને શરીરની હલચલને નિયંત્રિત કરવામાં તકલીફ પડતી હતી. તેમણે પોતાના અનુભવનો ઉપયોગ હોલીવુડમાં દિવ્યાંગ કલાકારોના અધિકારો માટે અવાજ ઉઠાવવામાં કર્યો હતો.

મિટેના પ્રતિનિધિએ કહ્યું, 'અમે ખૂબ દુઃખ સાથે જાહેર કરીએ છીએ કે અમારા પ્રિય અભિનેતા, સમાજસેવક અને દિવ્યાંગોના અધિકારોના સમર્થક આરજે મિટેનું અવસાન થયું છે.' તેમણે ઉમેર્યું, 'તેમણે યુનાઇટેડ સેરેબ્રલ પાલ્સી અને શ્રાઇનર્સ ચિલ્ડ્રન્સના એમ્બેસેડર તરીકે પણ સેવા આપી હતી.'

વિન્સ ગિલિગન દ્વારા બનાવેલી આ શ્રેણી માટે મિટેએ 13 વર્ષની વયે ઓડિશન આપ્યું હતું અને 14 વર્ષની વયે પાયલોટ એપિસોડનું શૂટિંગ કર્યું હતું. 'બ્રેકિંગ બેડ'એ તેમને વિશ્વભરમાં ઓળખ અપાવી. તેમણે બ્રાયન ક્રેન્સ્ટન અને અન્ના ગન સાથે કામ કર્યું, જેમણે શ્રેણીમાં તેમના માતા-પિતાની ભૂમિકા ભજવી હતી.

મિટેએ બાદમાં 'ધ ઓક રૂમ', 'ધ ગાર્ડિયન્સ ઑફ જસ્ટિસ' અને 'ટ્રાયમ્ફ' જેવી પ્રોજેક્ટમાં પણ કામ કર્યું. તેમની છેલ્લી જાહેર હાજરી 'બ્રેકિંગ બેડ'ના સહ-કલાકાર લુઇસ મોનકાડા સાથે અલ્બુકર્કના 'બલૂન ફિએસ્ટા'માં હતી.

'બ્રેકિંગ બેડ'માં વૉલ્ટર વ્હાઇટનું પાત્ર ભજવનાર બ્રાયન ક્રેન્સ્ટને મિટેના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે થોડા અઠવાડિયા પહેલા જ બંને લંચ પર મળવાનું આયોજન કરી રહ્યા હતા.

ક્રેન્સ્ટને લખ્યું, 'આજે રાત્રે આ લખતી વખતે હું ખૂબ દુઃખી છું. 'બ્રેકિંગ બેડ'માં મારો વહાલો દીકરો આરજે મિટે હવે રહ્યો નથી.' તેમણે યાદ કર્યું, 'જ્યારે તે માત્ર 14 વર્ષનો હતો ત્યારે હું તેને મળ્યો. તેને વૉલ્ટર વ્હાઇટ જુનિયરના પાત્ર માટે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે આ ભૂમિકા આનંદ અને ઉત્સાહથી ભજવી.'

ક્રેન્સ્ટને કહ્યું, 'સેરેબ્રલ પાલ્સી સાથે જન્મ્યા છતાં, આરજેએ ક્યારેય આ પડકારને કોઈ કામ માટે બહાનું બનવા દીધો નહીં. તેણે શૂટિંગના કઠિન સમયપત્રકનો પૂરી દૃઢતાથી સામનો કર્યો. તે પોતાની ટીવી મા અન્ના ગન અને મારી સલાહ હંમેશાં સાંભળતો, પરંતુ કિશોર વયના કારણે ક્યારેક શરારતપૂર્વક અવગણતો પણ હતો. તે મુશ્કેલ રીતે શીખવા માગતો હતો. તે એક હિટ ટીવી શોના કલાકારોમાંનો એક હતો, પણ તેમ છતાં એક બાળક જ હતો.'

'બ્રેકિંગ બેડ' (2008-2013) દરમિયાન બ્રાયન ક્રેન્સ્ટન અને આરજે મિટેએ પિતા-પુત્રની ભૂમિકા ભજવી હતી. ક્રેન્સ્ટને કહ્યું, 'જ્યારે મિટે ટીમ સાથે જોડાયો ત્યારે તે અભિનયમાં કાચો હતો. બાદમાં તે ઉત્તમ અભિનેતા બન્યો. તેણે શોમાંથી મળેલા અનુભવનો ઉપયોગ દિવ્યાંગ કલાકારો માટે ખુલીને અવાજ ઉઠાવવામાં કર્યો.'

ક્રેન્સ્ટને લખ્યું, 'તેની બધી આશાઓ અને ક્ષમતાઓ હવે ખોવાઈ ગઈ છે. તેણે પોતાનો જીવ લઈ લીધો તે જાણવું અત્યંત દુઃખદ છે. શા માટે?'