સત્ય. સાહસ. સંકલ્પ.

રિયાધ એરપોર્ટ પર હુથી મિસાઇલ હુમલો: એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઇટ્સ રદ

રિયાધ એરપોર્ટ પર હુથી મિસાઇલ હુમલો: એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઇટ્સ રદ

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં શ્રેણીબદ્ધ ધડાકા થયા છે. યમનના હુથી લડાકુઓએ કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બે બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. હુમલાની જવાબદારી હુથી પ્રવક્તા યાહ્યા સારીએ સ્વીકારી છે. તેમણે એરલાઇન કંપનીઓને ચેતવણી આપી છે કે મક્કા અને મદીના સિવાય સાઉદી એરસ્પેસમાં ફ્લાઇટ્સ ન ઉડાડે, કારણ કે તેમની સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે.

હુમલાને પગલે એરપોર્ટ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે. ફ્લાઇટ ટ્રેકિંગ સેવા Flightradar24 મુજબ, 80 મિનિટથી વધુ સમયથી કોઈ વિમાન લેન્ડ થયું નથી અને 90 મિનિટથી કોઈ ફ્લાઇટે ટેક-ઑફ કર્યું નથી. એરપોર્ટ પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. વહીવટીતંત્રે મુસાફરોને પોતાનો ચેક-ઇન સામાન ત્યાં જ છોડીને તરત બહાર નીકળી જવાનો આદેશ આપ્યો હતો. એનાઉન્સમેન્ટ થતાં જ મુસાફરો પોતાનો કિંમતી સામાન પડતો મૂકી જીવ બચાવવા બહાર દોડ્યા હતા. આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ હુમલાની અસર ભારતીય ફ્લાઇટ્સ પર પણ પડી છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસે 10 ઑક્ટોબર સુધી રિયાધ આવવા-જવાવાળી તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. એરલાઇન્સે જણાવ્યું છે કે અસરગ્રસ્ત મુસાફરોને ફ્રી રી-શેડ્યુલિંગ અથવા ટિકિટ કેન્સલેશન પર 100% રિફંડ આપવામાં આવશે. આ પહેલાં દિલ્હીથી રિયાધ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2243 ગુજરાત ઉપરથી પસાર થઈ દક્ષિણ તરફ અરબ સાગર ઉપર પહોંચ્યા બાદ સુરક્ષાના કારણોસર અધવચ્ચેથી પાછી દિલ્હી વાળી લેવામાં આવી હતી. હૈદરાબાદથી રિયાધ જતી ઇન્ડિગોની ફ્લાઇટને અધવચ્ચે સાઉદીના દમ્મામ એરપોર્ટ પર ડાયવર્ટ કરીને ઉતારવામાં આવી હતી. ઇન્ડિગોએ શુક્રવારે દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદથી રિયાધ જતી તમામ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે. રિયાધ એરપોર્ટ પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ એરપોર્ટ પહોંચતા પહેલા પોતાની ફ્લાઇટનું સ્ટેટસ સીધું એરલાઇન પાસેથી ચકાસી લે.

સાઉદી ગઠબંધન સેનાના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-માલ્કીએ દાવો કર્યો છે કે સેનાએ હુથીઓ દ્વારા છોડવામાં આવેલી બે બેલેસ્ટિક મિસાઇલો અને યમન સરહદ નજીક ખમીસ મુશેત તરફ છોડવામાં આવેલી વધુ એક બેલેસ્ટિક મિસાઇલને હવામાં જ તોડી પાડી નષ્ટ કરી દીધી છે.

આ હુમલાથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. અગાઉ થયેલા હુમલામાં કિંગ ખાલિદ એરપોર્ટ પર સુદાનના એક નાગરિકનું મોત થયું હતું અને 8 લોકો ઘાયલ થયા હતા.