સાઉદી અરેબિયાની રાજધાની રિયાદના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર શનિવારે હુથી બળવાખોરોએ મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો. આ હુમલામાં ટર્મિનલ-3 અને ટર્મિનલ-4ને નિશાન બનાવવામાં આવ્યા. સાઉદી સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા મુજબ, હુમલામાં 12 લોકોના મોત થયા છે અને 309થી વધુ લોકો ઘાયલ થયા છે.
મૃતકોમાં 4 સાઉદી નાગરિકો, 2 બાંગ્લાદેશી અને અમેરિકા, જોર્ડન, પેલેસ્ટાઈન, સીરિયા, સુદાન તથા ઇજિપ્તના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે. રિયાદ સ્થિત અમેરિકી દૂતાવાસે સુરક્ષા ચેતવણી જારી કરીને અમેરિકન નાગરિકોને એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોથી દૂર રહેવાની સૂચના આપી છે.
હુમલાના કારણે એરપોર્ટનું સંચાલન અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ફ્લાઈટ ટ્રેકિંગ સેવા 'ફ્લાઈટ રડાર-24'ના ડેટા મુજબ, તમામ ફ્લાઈટ્સનું ટેક-ઓફ અને લેન્ડિંગ રોકાયું છે. રિયાદ આવતી અનેક આંતરરાષ્ટ્રીય ઉડાનોને અન્ય એરપોર્ટ તરફ વાળવામાં આવી છે અથવા પરત મોકલી દેવાઈ છે.
આ એક સપ્તાહમાં આ એરપોર્ટ પર થયેલો ત્રીજો મોટો હુમલો છે. સોશિયલ મીડિયા પર ફરી રહેલા વિડિયોમાં ટર્મિનલની અંદર કાટમાળ અને ભયભીત મુસાફરો ભાગદોડ કરતા જોઈ શકાય છે. સાઉદી એરસ્પેસ પર જોખમ વધતાં મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે.