રિયાધ: સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે થયેલા મિસાઇલ હુમલામાં ઘાયલ થયેલા એક ભારતીય નાગરિકનું રવિવારે મૃત્યુ થયું છે. આ ઘટનાને પગલે ભારતીય દૂતાવાસે સાઉદી અરેબિયામાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે.
એડવાઈઝરીમાં ભારતીયોને સતર્ક અને સાવધ રહેવા, જરૂર પડે તો ઘરમાં રહેવા અને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. દૂતાવાસે કહ્યું છે કે તમામ ભારતીય નાગરિકોએ સત્તાવાર ચેનલો દ્વારા જાહેર થતી સૂચનાઓને જ ધ્યાનમાં લેવી.
હુમલામાં 11 ભારતીયો ઘાયલ થયા હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું. દૂતાવાસે 'X' પર લખ્યું, "રિયાધ હુમલામાં ઘાયલ એક ભારતીય નાગરિકનું અવસાન થયું છે. અમે મૃતકના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે પરિવારના સંપર્કમાં છીએ અને મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે વતન લાવવા માટે તમામ સહાય પૂરી પાડીશું."
હૂતી બળવાખોરોએ રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઇલ હુમલો કર્યો હતો. આ હુમલામાં કુલ 12 લોકોના મોત થયા અને 309 અન્ય ઘાયલ થયા. મૃતકોમાં ચાર સાઉદી નાગરિક, બે બાંગ્લાદેશી અને અમેરિકા, ઇજિપ્ત, જોર્ડન, પેલેસ્ટાઇન, સીરિયા અને સુદાનના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, હૂતી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર હુમલાઓ વધારી દીધા છે, જેના કારણે ત્યાંની સ્થિતિ તંગ બની છે. ભારતીય દૂતાવાસે ભારતીયોને સાવધાની રાખવા અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.