સત્ય. સાહસ. સંકલ્પ.

સમુદ્રની સપાટી વધવાથી 70-80 વર્ષમાં મુંબઈ, કોલકાતા, લંડન, ન્યુયોર્ક ડૂબી જવાની ચેતવણી

સમુદ્રની સપાટી વધવાથી 70-80 વર્ષમાં મુંબઈ, કોલકાતા, લંડન, ન્યુયોર્ક ડૂબી જવાની ચેતવણી

વૈજ્ઞાનિકોની ચેતવણી મુજબ, આગામી ૭૦-૮૦ વર્ષમાં સમુદ્રની સપાટી વધવાથી મુંબઈ, કોલકાતા, લંડન, ન્યુયોર્ક જેવા અનેક મહાનગરો જળબંબાકાર થઈ જશે. ગુજરાતના દહેજ અને સોમનાથ મંદિર સહિત ૮૦% મુંબઈ ૨૦૫૦ સુધીમાં પાણીમાં ગરક થશે. પર્યાવરણના પ્રદુષણથી હિમાલયનો બરફ પીગળી રહ્યો છે, જે ભયાનક જળપ્રલય નોતરી શકે છે.

આપણી સુંદર વસુંધરા સામે એક નોખી સમસ્યા, એક જબરદસ્ત સંકટ વિશ્વ સામે ખડું થયું છે. વૈજ્ઞાનિકો એમ કહે છે કે આવતા સાત-આઠ દાયકામાં સમુદ્રની સપાટી એટલી ઊંચે જશે કે દરિયા કિનારે વસેલાં કેટલાંય મોટા શહેરો અને કેટલાક આખા ટાપુ દેશો દરિયામાં ગરક થઈ જશે. હવામાન શાસ્ત્રીઓએ ઉચ્ચારેલી ચેતવણી તેમના જ શબ્દોમાં ટાંકવી હોય તો સમસ્ત વિશ્વમાં ગરમીનું પ્રમાણ પાંચથી છ ડિગ્રી સેલ્સિયસ વધી જવાને કારણે આ સદીના અંતે મુંબઈ, કલકત્તા, લંડન, મિયામી, ન્યૂયોર્ક, હોંગકોંગ, બેંગકોક, વેનિસ જેવા કેટલાંય મહાનગરો પર સમુદ્રના પાણી ફરી વળશે. કાં તો આખું નગર દરિયામાં ડૂબી જશે અથવા તો આ મહાનગરો સુનામી જેવા અભૂતપૂર્વ જળપ્રલયનો સામનો કરશે.

એરિઝોના યુનિવર્સિટીના પ્રોફેસર જોનાથન ઑવરપેકે વૈશ્વિક હવામાનમાં થઈ રહેલું પરિવર્તન અને ધ્રુવ પ્રદેશ તથા હિમાલય પર પીગળતા જતાં બરફનો લાંબા ગાળા સુધી અભ્યાસ કર્યા બાદ એવો વર્તારો આપ્યો છે કે આશરે ૧,૩૦,૦૦૦ વર્ષ પૂર્વે જે રીતે જળપ્રલયે આખી પૃથ્વીને રસાતાળ કરી મૂકી હતી એવી જ હોનારતના ભણકારા વાગી રહ્યા છે. આશરે ૭૦-૮૦ વર્ષ પછી આ સમસ્યા વિકરાળ બનતી જણાશે અને સદીના અંત સુધીમાં તો અનેક શહેરો જળબંબાકાર થઈ જશે.

ભારતના વૈજ્ઞાનિકો અને પર્યાવરણ-શાસ્ત્રીઓએ તાકીદ કરી છે કે સમયસર ઉચિત પગલાં નહીં લેવાય તો બીજા સાતેક દાયકામાં મહાનગરી મુંબઈના ઘણાખરા ભાગ પર સમુદ્રના પાણી ફરી વળશે. સ્થળ છે ત્યાં જળ થઈ જશે. નરીમાન પોઈન્ટ, કોલાબા, કફ પરેડ, વાલકેશ્વર અને પેડર રોડની ગગનચુંબી ઈમારતો અને મોટી મહેલાતો પાણીમાં ગરક થઈ જશે અથવા સમુદ્રનાં પ્રચંડ ઊછળતાં મોજાંને લીધે આ તમામ વિસ્તાર માનવ વસાહતને લાયક નહીં રહે. આવી જ હાલત દરિયાકિનારે વસેલાં વરલી, વાંદ્રા, જુહૂ, વરસોવા તેમ જ બીજા ઉપનગરીય વિસ્તારોની પણ થશે. ટૂંકમાં મુંબઈ હતું ન હતું થઈ જશે. કદાચ ચારસો વરસ પહેલાં છુટાછવાયા ટાપુ ઉપર વસેલા મુંબઈના દીદાર કેવા હતા તેનો હૂબહૂ ચિતાર નવી પેઢીને નજરોનજર જોવા મળશે.

મુંબઈ સહિત દેશભરમાં સમુદ્ર કિનારે વસેલા શહેરોમાં દરિયાની સપાટી એક મીટર વધી છે. આવનારા વર્ષોમાં આ સપાટી હજી પણ વધવાની શક્યતાને લીધે જોખમ વધી ગયું છે. પર્યાવરણની કથળતી સ્થિતિને લીધે ભય વધ્યો છે.

કોસ્ટલ રોડ બાંધનારી રાજ્ય સરકાર અને મહાપાલિકાની આંખો ઊઘાડી નાખે એવો અહેવાલ આવ્યો છે. સાત બેટો જોડીને મુંબઈ મહાનગર રચાયું હતું. ત્યાર પછી નરીમાન પોઈન્ટ અને બાંદરામાં સમુદ્રમાં ભરણી કરી જમીન નવસાધ્ય કરવામાં આવી હતી. એટલે આ વિસ્તારોને દરિયાનું વધુમાં વધુ જોખમ છે. ભવિષ્યમાં દરિયાના મોજા મંત્રાલય અને વિધાનભવન સુધી પહોંચે એવું જોખમ છે, એમ આ અહેવાલ તૈયાર કરનારી ટીમના એક અભ્યાસુ ડૉ. અર્ણવ ઘોષે જણાવ્યું હતું. ભારતના દરિયા કિનારાના શહેરો ઉપરાંત ન્યૂયોર્ક અને શાંઘાઈને પણ જોખમ છે. કોલકાતામાં આ જળપ્રલયનું જોખમ ૧૦૦૦ ગણું, શાંઘાઈમાં ૪૦ ગણું અને ન્યુયોર્કમાં ૨૦૦ ગણું વધી જશે.

વર્ષો સુધી દરિયો પૂરીને માનવીએ ઘણી જગ્યા પચાવી પાડી છે. હવે આ જગ્યા એક જ ઝાટકે અંકે કરી લેવા વરુણદેવ વીફરે તો નવાઈ નહીં. આવું ખરેખર બને તો તે એક મહાદુઃસ્વપ્ન હશે. હકીકત એ છે કે પરિસ્થિતિ ઝડપથી વણસીને માનવજાતના કાબૂ બહાર જઈ રહી હોવા છતાં દુનિયાભરના શાસકોની ઊંઘ ઊડતી નથી. એકલું મુંબઈ જ નહીં, મિયામી, સિડની, વેનિસ, મોન્ટેકાર્લો, ઢાકા, કલકત્તા, કરાચી જેવાં શહેરો અને સેનેગલ, માલદીવ, ફીજી તથા ઈજિપ્ત જેવા કેટલાય દેશોનો તટપ્રદેશ પાણીમાં ગરક થઈ જવાની ભીતિ વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે. મિની પ્રલય જેવી આ પરિસ્થિતિ માટે જવાબદાર હશે ઝડપથી વધતી જતી સાગરની સપાટી!

હાલ ચાલી રહેલા હવામાનના અભ્યાસ વિશેના એક ન્યૂઝ રિપોર્ટમાં મુંબઈને વિશ્વભરના એવા ૨૦ બંદરી શહેરોની યાદીમાં છઠ્ઠું સ્થાન આપ્યું છે.