ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આજે 4 ઓક્ટોબર 2026ના રોજ 29 વર્ષના થયા છે. તેમનો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ ઉત્તરાખંડના રુડકીમાં થયો હતો. આજે તેમને બીસીસીઆઈ, આઈપીએલ ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સ અને ક્રિકેટ જગતના અનેક ચાહકો તરફથી જન્મદિવસની શુભકામનાઓ મળી રહી છે.
રિષભ પંત હાલમાં ઈરાની કપમાં રમવા માટે જમ્મુ-કાશ્મીરમાં છે. રેસ્ટ ઓફ ઈન્ડિયા અને રણજી ટ્રોફીની વિજેતા જમ્મુ-કાશ્મીર વચ્ચે ઈરાની કપની ફાઈનલ રમાઈ રહી છે, જેમાં પંત રેસ્ટ ઓફ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ ફાઈનલમાં તેનું પ્રદર્શન સારું રહ્યું નથી, પરંતુ જન્મદિવસનો ઉત્સાહ ઓછો નથી.
બીસીસીઆઈએ તેના સોશિયલ મીડિયા પોસ્ટમાં પંતના આંતરરાષ્ટ્રીય મેચો અને આંકડાઓની વિગતવાર માહિતી આપી છે. બીસીસીઆઈએ તેની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો છે, જેમાં બે આઈસીસી ટ્રોફીનો સમાવેશ થાય છે. દિલ્હી કેપિટલ્સે પણ તેને શુભકામના પાઠવી છે અને લખ્યું છે કે તે નાનો હતો, પરંતુ હવે તે દુનિયા માટે વાહ બની ચૂક્યો છે.
રિષભ પંતની ગણતરી આજે દુનિયાના શ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેન તરીકે થાય છે. તેમણે 2022માં એક ગંભીર માર્ગ અકસ્માતમાંથી પણ માંડ બચ્યા હતા. તે સમયે તેમની હાલત ખૂબ ગંભીર હતી, પરંતુ લાંબી સારવાર બાદ તેઓ ફરી મેદાન પર પાછા ફર્યા હતા.
નાનકડા પરિવારમાંથી આવતા પંતને પરિવારે દિલ્હી મોકલ્યો હતો. ત્યાં તેમણે સોનેટ ક્રિકેટ ક્લબના જાણીતા કોચ તારક સિન્હાના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ શીખ્યું હતું. ઉત્તરાખંડમાં તે સમયે ક્રિકેટનું કોઈ સંગઠિત માળખું ન હતું, તેથી તેમને દિલ્હી જવું પડ્યું હતું.
પંત આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટસના કેપ્ટન છે, જ્યારે તે ભારતીય ટીમ માટે તમામ ફોર્મેટમાં રમે છે. તેમની આક્રમક બેટિંગ અને ઝડપી વિકેટકીપિંગ માટે તેઓ જાણીતા છે.